EPFO Interest Update: એમ્પ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ માર્ચ,2026માં નાણાકીય વર્ષ 2025-26 માટે EPF વ્યાજ દરો 8.25 ટકા યથાવત રાખ્યા છે. જોકે, ઘણાબધા સબસ્ક્રાઈબર્સ તેમના EPF અકાઉન્ટ્સમાં આ વ્યાજ જમા થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને હકીકતમાં વ્યાજ ક્યારે જમા થશે તે અંગે જાણવા માટે આતુર છે.
8.25 ટકા EPF વ્યાજની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી
માર્ચ 2026ના પ્રથમ સપ્તાહ દરમિયાન EPFOએ નાણાકીય વર્ષ 2025-2026 માટે 8.25 ટકાના લેવલ પર વ્યાજ દર યથાવત જાળવી રાખ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્ર્સ્ટ્રીઝ (CBT)એ નાણાકીય વર્ષ 2025-26 માટે EPFના વ્યાજને જમા કરવામાં આવે તેવી ભલામણ કરી હતી.
તો ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે
EPFOએ વ્યાજ જમા કરવા અંગે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી. મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે વ્યાજ દર (Interest Rate)ને એક વખત ભારત સરકાર તરફથી અધિકૃત રીતે મંજૂરી મળી જાય એટલે જમા કરવામાં આવશે. માટે સબ્સ્ક્રાઈબર્સે સરકારના નોટિફિકેશન માટે રાહ જોવી પડશે અને ત્યારબાદ જ તેમના EPF ખાતામાં વ્યાજ જમા થશે.
આ પણ વાંચો
તો વર્ષ 2025માં EPF વ્યાજ ક્યારે જમા થયું હતું (EPF interest credited in 2025)
વર્ષ 2025ની વાત કરીએ તો મોટી સંખ્યામાં EPF સબ્ક્રાઈબર્સને જૂન અને જુલાઈ મહિનામાં વ્યાજ જમા મળ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રક્રિયા ઝડપી બની છે. અગાઉ વ્યાજ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં જમા થતું હતું. આ વર્ષે પણ વ્યાજ જૂન અથવા તો જુલાઈ મહિનામાં જમા થાય તેવી શક્યતા છે. અલબત નિશ્ચિત તારીખ તો સરકારના નોટિફિકેશન પર આધાર રાખશે.
