EPFO Interest Update: EPFO એટલે કે કર્મચારી ભવિશ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2025-2026 માટે મહત્વનો નિર્ણય કર્યો છે. માર્ચ 2026માં નક્કી કરવામાં આવેલ EPF પર 8.25 ટકા વ્યાજ ટૂંક સમયમાં ખાતામાં જમા કરવામાં આવી શકે છે. જોકે આ માટે શું કોઈ ચોક્કસ તારીખ કે સમય આપવામાં આવ્યો છે કે કેમ તે એક પ્રશ્ન મનમાં સર્જાયો છે.
માર્ચ 2026ના પ્રથમ સપ્તાહમાં EPFO એ જાહેરાત કરી હતી કે 8.25 ટકા વ્યાજ દરો યથાવત રહેશે. આ અંગે ભલામણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) તરફથી કરવામાં આવી છે. ત્યારબાદ શ્રમ મંત્રાલયને આ અંગે માહિતી મોકલવામાં આવી હતી. સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વ્યાજ દર ખાતામાં જમા કરવામાં આવશે, જોકે આ માટે ભારત સરકારની અધિકૃત મંજૂરી એટલે કે નોટિફિકેશન ઈશ્યુ કરવું જરૂરી છે. હજુ સુધી આ અંગે કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી. માટે પૈસા પાસબુકમાં જોવા મળતા નથી.
દેશમાં PF સાથે સંકળાયેલ પૈસાની રકમ ખૂબ જ મોટી હોય છે. દરેક ખાતામાં હિસાબનો મેળ કરવાનો હોય છે. વ્યાજને ઉમેરવું તથા સિસ્ટમમાં અપડેટ કરવામાં ઘણો સમય માંગી લે છે. માટે આ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરી શકાતી નથી. અત્યારે ભલે પાસબુકમાં તે રકમ દેખાતી ન હોય.જેવી પાસબુક અપડેટ થઈ જશે એટલે વ્યાજ દેખાવા લાગશે.
EPFO વ્યાજ સંપૂર્ણ વર્ષના બેલેન્સ પર સતત કેલ્ક્યુલેટ થાય છે. પાસબુકમાં જ્યારે પણ અપડેટ થાય છે તેમાં ચોક્કસ તારીખમાં '“Int. Updated up to 31/03/2026” લખેલ સંદેશ વાંચવા મળે છે. તેનો અર્થ એવો થાય છે કે તે તારીખ સુધી પૂરું વ્યાજ ઉમેરી દેવામાં આવ્યું છે.
જો આપણે ગયા વર્ષની વાત કરીએ વર્ષ 2025માં અનેક લોકોના EPF વ્યાજ જૂન અને જુલાઈ વચ્ચે મળ્યું હતું. પહેલાના સમયમાં આ પ્રક્રિયા વધારે વિલંબથી થતી હતી. ક્યારેક સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધી રાહ જોવી પડતી હતી. જોકે હવે સિસ્ટમ અગાઉની તુલનામાં બદલાઈ ગઈ છે.
આ વર્ષે પણ એવી આશા છે કે જૂન અથવા જુલાઈ 2026 સુધી વ્યાજ ક્રેડિટ થઈ શકે છે. જોકે અસલી તારીખ સરકારના નોટિફિકેશન પર આધાર રાખે છે. હવે એક પ્રશ્ન એ પણ છે કે શું મોડુ થવાથી કર્મચારીઓને નુકસાન થશે? તેનો જવાબ છે ના. EPF નિયમ પ્રમાણે વ્યાજ દર દર મહિને બેલેન્સ પર જમા થાય છે. માટે તે પૈસા પાસબુકમાં વિલંબથી આવે પણ પૂરો ફાયદો કર્મચારીઓને મળી જાય છે.
