Stock Market Crash: ભારતીય શેરબજાર ગુરુવારે ભારે મંદીના માહોલ વચ્ચે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 555.95 પોઇન્ટ તૂટીને 81159.68 રહ્યો હતો. જ્યારે નિફ્ટી 166 પોઇન્ટ ગગડી 24,890.85 રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં 145 પોઇન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે BSE સ્મોલકેપમાં 400 પોઇન્ટ અને BSE મિડકેપમાં 330 પોઇન્ટનો ઘટાડો થયો હતો.
BSE ટોચના 30 શેરોમાં ટાટા ટ્રેન્ટ, પાવરગ્રીડ અને ટાટા મોટર્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો આ શેરોમાં આશરે 3 ટકાનો ઘટાડો થયો હતો.જ્યારે BELમાં 2 ટકાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેર પૈકી 26 શેરમાં મંદી જ્યારે 4 કંપનીના શેરમાં તેજી જોવા મળી હતી.
સેક્ટરની વાત કરીએ એકમાત્ર મેટલ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી, બાકી તમામ સેક્ટરમાં ભારે ધોવાણ થયું છે. સૌથી વધરે IT, રિયલ્ટી, અને ફાયનાન્શિયલ બે્ક સેક્ટર્સમાં ધોવાણ થયું છે. આ ઉપરાંત ફાર્મા અને ઓટો સેક્ટરમાં પણ ભારે નુકસાન થયું છે.
શા માટે થયો ભારે ઘટાડો
- અમેરિકાના H-1B વિઝાની સીધી અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર અસર થઈ છે. કારણ કે આજે IT સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. TCSના શેરનો ભાવ રૂપિયા 75.80 એટલે કે 2.50 ટકા ગગડીને રૂપિયા 2,960.35 થયો છે.
- US ડોલરની સામે રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. રૂપિયો ડોલર સામે 22 પૈસા નબળો પડી 88.31 પર બંધ રહ્યો છે.
- વૈશ્વિકસ્તરે બ્રેન્ડ ક્રુડ 0.66 ટકા વધી 67.12 ડોલર પ્રતિ બેરલ થા છે. ઓઈલની વધતી કિંમત, મોંઘવારી અને આયાત બિલ બન્નેને વધારી શકે છે.
- વિદેશના બજારોમાંથી પણ કોઈ રાહત મળી રહી નથી. હેંગસેંગ આશરે 1 ટકા તૂટ્યો છે, જ્યારે વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ પણ મંદીમય સ્થિતિમાં છે.
- અમેરિકા અને ભારત વચ્ચે વેપારનો માર્ગ હાલમાં અસ્પષ્ટ છે, જેના કારણે વિદેશી રોકાણકારો રોકાણ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.
રોકાણકારોને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
24 સપ્ટેમ્બરના રોજ BSE માર્કેટ કેપ રૂપિયા 461.34 લાખ કરોડ હતું, જે આજે ઘટીને રૂપિયા 457.35 લાખ કરોડ પહોંચી ગયો છે. એટલે કે રોકાણકારોને એક દિવસમાં આશરે રૂપિયા 4 લાખ કરોડનું નુકસાન થયું છે.
