EPFO EDLI Scheme: કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે EDLI (Employee Deposit Linked Insurance) યોજનામાં મહત્વપૂર્ણ છૂટછાટ જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય છે તો કર્મચારીના EPFO ખાતામાં પૈસા જમા હોય કે ન હોય તેના પરિવાર અથવા નોમિનીને 50,000નો વીમા લાભ આપવામાં આવશે.
અગાઉનો નિયમ હતો કે આ વીમા લાભ માટે કર્મચારીના ખાતામાં ઓછામાં ઓછા 50,000 હોવા જરૂરી હતા તો જ તેને વીમાનો લાભ મળતો હતો. હવે આ શરતને દૂર કરવામાં આવી છે. એટલે કે કર્મચારીના ખાતામાં પૈસા હોય કે ન હોય, તેના પરિવારને 50 હજારનો લાભ મળશે.
કોને મળશે લાભ
EDLI એટલે કે Employee Deposit Linked Insurance એ EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) ની એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના હેઠળ જો કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો તેના નોમિનીને વીમાનો લાભ મળે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનું કહેવું છે કે જે પણ કર્મચારી EPFO ના સભ્ય છે અને તેમની છેલ્લી સેલરી કપાયાના છ મહિનાની અંદર તેમનું અવસાન થાય છે તો નોમિની આ વીમાનો લાભ લઈ શકે છે.
જો કોઈ કર્મચારીની બે નોકરીઓ વચ્ચે 60 દિવસ સુધીનો ગેપ હોય તો તેને હવે "બ્રેક" ગણવામાં આવશે નહીં. એટલે કે બે મહિના સુધીનો બ્રેક આવે, તો પણ બધી નોકરીઓને જોડીને એક જ સેવા ગણવામાં આવશે. આનાથી કર્મચારી વીમાનો પૂરો લાભ ઉઠાવી શકશે.
