EPFO Update: કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) સાથે સંકળાયેલા કરોડો કર્મચારીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ટૂંક સમયમાં EPFO દ્વારા UPI થકી આંશિક રકમ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવી શકે છે.
એવું માનવામાં આવે છે કે, આ સુવિધા એપ્રિલ મહિના સુધીમાં લાગુ થઈ શકે છે. જે અંતર્ગત EPFના પૈસા સીધા સભ્યોના બેંક ખાતામાં જ ટ્રાન્સફર થઈ જશે.
હાલ શ્રમ મંત્રાલય એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. જેમાં EPFની એક ચોક્કસ રકમ જ જમા રહશે. જ્યારે બાકીની રકમ UPI દ્વારા ઉપાડવાની સુવિધા મળશે. આટલું જ નહીં, સભ્યો પોતાના ખાતામાં જોઈ પણ શકશે કે, PFની કેટલી રકમને બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને ઉપાડી શકાય તેમ છે.
હવે લિંક કરેલા UPI PINથી મિનિટોમાં ખાતામાં આવશે રોકડ
નવી વ્યવસ્થા અંતર્ગત EPFOના સભ્યો પોતાના લિંક કરવામાં આવેલા UPI PINનો ઉપયોગ કરીને સિક્યોર અને સરળ ટ્રાન્જેક્શન કરી શકશે. એકવાર પૈસા બેંકના ખાતામાં જમા થયા બાદ મેમ્બર તેને ડિજિટલ પેમેન્ટ, ડેબિટ કાર્ડની મદદથી ATMમાંથી ઉપાડવા તેમજ અન્ય જરૂરિયાત માટે પણ ઉપયોગ કરી શકશે.
અત્યારે EPFમાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરવો પડે છે. જેમાં સમય પણ વેડફાય છે અને EPFO પર વધારાનો બોજ પડે છે. નવી UPI આધારિત પ્રક્રિયા દ્વારા ક્લેમ કરવાની જફામાંથી મુક્તિ મળી શકે છે.
8 કરોડથી વધુ EPFOના મેમ્બર્સને ફાયદો
અત્યારે EPFO સોફ્ટવેર સબંધિત ટેક્નિકલ ક્ષતિઓને દૂર કરવા મથી રહ્યું છું, જેથી નવી પ્રક્રિયાનો વ્યવસ્થિત રીતે અમલ કરી શકાય. આ પગલાથી લગભગ 8 કરોડ જેટલા EPFO મેમ્બર્સને સીધો ફાયદો થવાનો છે. હાલના સમયમાં EPFO દર વર્ષે 5 કરોડથી વધુ ક્લેમ પ્રોસેસ કરે છે. જે પૈકી મોટાભાગના પી.એફ. ખાતામાંથી પૈસા ઉપાડવા સબંધિત જ હોય છે.
જો કે EPFO પાસે બેંકિંગ લાઈસન્સ નથી. આથી તે ડાયરેક્ટ EPFના ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી નહીં આપે. આમ છતાં સરકાર ઈચ્છે છે કે, EPFOની સર્વિસ બેંક સમાન રહે, જેથી સભ્યોને સરળતાથી સુવિધા મળી રહે.
EPFOના મહત્ત્વના નિર્ણય લેનાર સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી (CBT)એ ઓક્ટોબર 2025માં જ આંશિક રકમ ઉપાડવાના નિયમોને સરળ બનાવવા માટે અંજૂરી આપી હતી. આ ફેરફારને પણ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની મંજૂરી બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી શકે છે.
