E100 Ethanol Fuel In India: કેન્દ્ર સરકાર E100 ઈંધણ (E100 Fuel)ની રિટેલ કિંમત નક્કી કરવાના અંતિમ તબક્કામાં છે. આ ઘરેલુ ઓટો ઉત્પાદકો દ્વારા ફ્લેક્સ-ફ્યુઅલ (Flex-Fuel) વાહનોના વ્યાપારીક ધોરણે બજારમાં ઉતારવાની દિશામાં એક મહત્વનું પગલું છે.
આ મહત્વનું પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે કે જ્યારે દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી અને દ્વિ-ચક્રિય વાહનોની અગ્રણી ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ દ્વારા નિયમનકારી ફેરફાર સાથે Flex-Fuel વાહનોને બજારમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ વાહનો ઈંધણ સ્વરૂપમાં ઈથેનોલનો ઉપયોગ કરી શકાય છે.
ભારતમાં પ્રતિ લીટર ભાવ રૂપિયા 82-87 રહી શકે છે
આ અપડેટ સાથે સંકળાયેલા અધિકારીઓની માહિતી પ્રમાણે E100 કિમત બજારમાં ઉપલબ્ધ પેટ્રોલની તુલનામાં આશરે 15-20 ટકા સસ્તું હશે. વર્તમાન સમયમાં જ્યારે પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર છે ત્યારે E100ની કિંમત પ્રતિ લીટર રૂપિયા 82-87 આસપાસ રહી શકે છે.
બ્રાઝીલ સૌથી વિકાસ પામેલ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોનું બજાર
અલબત સૂચિત ડિસ્કાઉન્ટ બ્રાઝીલમાં ઉપલબ્ધ પ્રોત્સાહન કરતાં ઘણું ઓછું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાઝીલ વિશ્વનું સૌથી વિકસિત ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોનું બજાર છે અને આ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં E100 મોટાપાયે વ્યાપારીક ધોરણે ઉપયોગ કરવામાં આવે છે.
બ્રાઝીલમાં કેટલી કિંમત છે
બ્રાઝીલમાં અત્યારે હાઈડ્રસ ઈથેનોલ સરેરાશ BRL 4.27 એટલે કે પ્રતિ લીટર રૂપિયા 81 કિંમતથી વેચાય છે. જ્યારે પેટ્રોલ BRL 6.62 એટલે કે પ્રતિ લીટર રૂપિયા 126 ભાવથી વેચાય છે. જેનો સીધો અર્થ થાય છે કે ઈથેનોલ અને પેટ્રોલની કિંમત વચ્ચે આશરે 64.5 ટકા તફાવત છે. જેથી વાહનોને ઈથેનોલથી ચલાવવા માટે ખૂબ જ મોટું પ્રોત્સાહન મળે છે.
