દિવાળી એટલે રોશનીનો તહેવાર, મીઠાઈઓ અને ફરસાણ સાથે ઘરની રંગોળી અને ખુશી ભરેલો માહોલ! આવા સમયે ઘરે બનાવેલા નાસ્તાની વાત જ કંઈક અલગ હોય છે. જો તમે બહાર જેવી ટેસ્ટી અને ક્રિસ્પી ચોરાફળી ઘરે જ બનાવવી ઈચ્છો છો, તો આ સરળ રેસીપી સાથે તમે પણ બનાવી શકો છો.
ચણાનો લોટ, અડદનો ઝીણો લોટ, તેલ, બેકિંગ સોડા, સંચળ પાઉડર, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું, પાણી.
એક મોટા વાસણમાં ચણાનો લોટ અને અડદનો લોટ લઈ લો. તેમાં થોડું બેકિંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે તેમાં મીઠું અને થોડીક માત્રામાં તેલ ઉમેરી મોણ આપો.
આ મિશ્રણમાં હળવુ ગરમ પાણી ઉમેરતા જાઓ અને થોડો કઠણ લોટ બાંધો. લોટને ઢાંકી ને 10-15 મિનિટ આરામ કરવા દો.
લોટમાંથી નાના-નાના લુવા લઇ પાટલા પર રોટલીની જેમ પાતળા વણી લો. હવે ચપ્પા કે છરી વડે ચોરાફળીના લંબગોળ કટકા કરો.
એક કડાઈમાં પૂરતું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ચોરાફળીના કટકા એક પછી એક તળવા મુકો. બંને બાજુથી બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે ઝારાથી કાઢી લો.
તળેલી ચોરાફળીને થાળીમાં કાઢી તેમાં લાલ મરચું પાઉડર, સંચળ પાઉડર અને ચાટ મસાલો છાંટી દો.
ગરમાગરમ કે ઠંડુ – બે રીતે સર્વ કરી શકાય. ચોરાફળીને તમે લીલી ચટણી, મીઠી ચટણી અથવા ચાના સાથે પણ સર્વ કરી શકો છો. તેને હવાબંદ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો.
વધુ ક્રિસ્પી ચોરાફળી માટે લોટ થોડો ટાઈટ બાંધો,પાતળા કટકા કરો જેથી તેલમાં સારી રીતે તળાઈ જાય.મસાલો તળ્યા પછી તરત છાંટો જેથી તે ચોરાફળી પર ચોંટે.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.