Health Tips: જમતી વખતે પાણી કેમ ના પીવું જોઈએ? ડૉક્ટર પાસેથી જાણો સાચો જવાબ


By Sanket M Parekh02, Apr 2025 03:55 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

આપણે વડીલો પાસેથી હંમેશા સાંભળતા આવ્યા છીએ કે, જમતી વખતે ક્યારેય પાણી ના પીવું જોઈએ. જો કે તમે ક્યારેય વિચાર્યું છે ખરું, કે આવું કેમ કહેવામાં આવે છે? તો ચાલો આ બાબતે ડૉ. મુક્શીધ કાદરી પાસેથી જાણીએ કે, શું જમતી વખતે તમારે પાણી પીવું જોઈએ કે કેમ?

તબીબનો જવાબ

ડૉ. મુક્શીધ કાદરીના જણાવ્યા મુજબ, જમતી વખતે પાણી પીવાથી તેની સ્વાસ્થ્ય પર વિપરિત અસર જોવા મળે છે. ખાસ કરીને પાચન ક્રિયા પર તેની ખરાબ અસર પડે છે. જો તમને પણ જમતી વખતે વારંવાર પાણી પીવાની આદત હોય, તો તમને અનેક પ્રકારની શારીરિક સમસ્યા થઈ શકે છે.

પેટમાં ચૂંક અને ગેસ બનવો

જો તમે પણ જમતી વખતે પાણી પીવો છો, તો તે પેટમાં ગેસ બનાવવા સાથે ચૂંક ઉભી કરે છે. પાણી સાથે ખોરાકનું મિશ્રણ પેટમાં ગેસ ઉભો કરે છે. જેના પરિણામે પેટમાં દુખાવો અને સોજા જેવી સમસ્યા સર્જાય છે.

પાચન તંત્ર પર અસર

જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે આપણા પેટમાં ખોરાક પચાવવા માટે એન્જાઈમ્સ અને એસિડ્સનું નિર્માણ થાય છે. જો આપણે જમતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પીતા હોય, તો તે એસિડ્સ અને એન્જાઈમ્સ નબળા પડી શકે છે. જેના પરિણામે પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે અને ખોરાક વ્યવસ્થિત રીતે પચતો નથી.

એસિડિટી અને હાર્ટ બર્નની સમસ્યા

જો લોકો એસિડિટી કે હાર્ટબર્નની સમસ્યાનો સામનો કરી રહ્યાં હોય, તેમના માટે જમતી વખતે પાણી પીવું નુક્સાનકારક નીવડી શકે છે. પાણી એસિડિટીને વધારવાનું કામ કરે છે, જેના પરિણામે પેટમાં બળતરા જેવી અન્ય સમસ્યા થઈ શકે છે.

વજન વધવાનો ખતરો

જમતી વખતે વચ્ચે-વચ્ચે પાણી પીવાના કારણે ઘણી વખત આપણાથી વધારે ખવાઈ જતું હોય છે. હકીકતમાં આ પાણી પેટમાં જગ્યા બનાવે છે, જેનાથી આપણે વધારે ખાઈ લઈએ છે, જેના પરિણામે વજન વધવાનો ખતરો રહે છે.

શરીરને સમય આપવો

જમ્યા પછી પણ શરીરને થોડો સમય આપવો જોઈએ, જેથી તે ખોરાકને વ્યવસ્થિત પચાવી શકે. પાણી પીવાથી આ પ્રક્રિયા મંદ પડી જાય છે. જેના પરિણામે શરીરને તમામ પોષક તત્વો શોષવામાં તકલીફ પડે છે. આ રીતે પાચન ક્રિયાને અસર થઈ શકે છે.

પાણી ક્યારે પીવું?

ડૉ. કાદરીના જણાવ્યા પ્રમાણે, જો તમને જમતી વખતે પાણી પીવાની આદત હોય, તો કોશિશ કરો કે તમે જમવાના 30 મિનિટ પહેલા અથવા તો 30 મિનિટ પછી પાણી પીવો. જેનાથી પાચન ક્રિયામાં કોઈ અડચણ નહીં આવે. જો તમને જમ્યા પછી તરત જ પાણી પીવાની આદત હોય, તો માત્ર એક જ ઘુંટડો પાણી પીવું જોઈએ.

Health Issues: જો શરીરમાં જોવા મળે આ 10 સંકેત, તો તાત્કાલિક તબીબ પાસે દોડો