Vaibhav Suryavanshi Birthday: ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા અને બિહારના લિટલ માસ્ટર ગણાતા વૈભવ સૂર્યવંશી માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. અત્યાર સુધી જે ICC ના નિયમો તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના આડે આવતા હતા, તે અવરોધો હવે દૂર થઈ ગયા છે. આજે 27 માર્ચના વૈભવ સૂર્યવંશીએ તેના જીવનના ૧૫ વર્ષ પૂર્ણ કર્યા છે, જેની સાથે જ તેના આંતરરાષ્ટ્રીય પદાર્પણના દ્વાર ખુલી ગયા છે.
ભારતીય ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી જે એક નામની સૌથી વધુ ચર્ચા છે તે છે - વૈભવ સૂર્યવંશી. હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલ ૨૦૨૬ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 175 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને વૈભવે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. 15 ચોગ્ગા અને ૧૫ છગ્ગા સાથેની આ ઇનિંગે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું, પરંતુ પ્રશ્ન એ હતો કે આટલી પ્રતિભા હોવા છતાં તે સિનિયર ઇન્ટરનેશનલ ટીમમાં કેમ નથી?
ICC નો 'એજ પોલિસી' નિયમ હતો અવરોધરૂપ
વૈભવના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં સૌથી મોટો અવરોધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) નો વય મર્યાદાનો નિયમ હતો. ૨૦૨૦ માં અમલી બનેલા આ નિયમ મુજબ, કોઈપણ ખેલાડીની શારીરિક અને માનસિક સુખાકારી જાળવવા માટે તેની ઉંમર ઓછામાં ઓછી ૧૫ વર્ષ હોવી ફરજિયાત છે. વૈભવનો જન્મ ૨૭ માર્ચ, ૨૦૧૧ ના રોજ થયો હોવાથી, તે અત્યાર સુધી આ માપદંડમાં ફિટ બેસતો નહોતો. જોકે, આજથી તે ૧૫ વર્ષનો થઈ ગયો છે, પરિણામે હવે તે સત્તાવાર રીતે ભારતની સિનિયર ટીમ માટે પસંદગી પામવા લાયક બન્યો છે.
IPL માં રચી ચૂક્યો છે ઇતિહાસ
વૈભવ માત્ર ઘરેલું ક્રિકેટમાં જ નહીં, પરંતુ IPL ૨૦૨૫ માં પણ પોતાની બેટિંગનો પરચો આપી ચૂક્યો છે. ગત સીઝનમાં તેણે ૭ મેચમાં ૨૫૨ રન બનાવ્યા હતા. ખાસ કરીને ગુજરાત સામેની મેચમાં તેણે માત્ર ૩૫ બોલમાં સદી ફટકારીને IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
આંકડા બોલે છે વૈભવની તાકાત
વૈભવના આંકડા તેની આક્રમક શૈલીની ગવાહી આપે છે:
- T20: 18 મેચોમાં 204.37 ના સ્ટ્રાઇક રેટથી 701 રન (3 સદી).
- લિસ્ટ A: 8 મેચોમાં 352 રન (1 સદી).
- ફર્સ્ટ-ક્લાસ: 8 મેચોમાં 207 રન.
