Surat News: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે એક અત્યંત કરુણ દુર્ઘટના ઘટી છે. આનંદ વિલા સોસાયટીમાં રહેતા અને ધોરણ-3 માં અભ્યાસ કરતા 8 વર્ષીય રેહાન્સ અમોલભાઈ બોરસેનું પતંગની દોરીથી ગળું કપાતા અકાળે અવસાન થયું છે. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે તેમ છે.
નિર્દોષ રમત બની જીવલેણ
મળતી માહિતી મુજબ, 15 જાન્યુઆરીના રોજ બપોરે રેહાન્સ પોતાની સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહ્યો હતો. તે સમયે આકાશમાંથી લટકતી એક કપાયેલી પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. સાયકલની ગતિ અને દોરીના ઘર્ષણને કારણે રેહાન્સનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેને તત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ગળાનો ભાગ ઊંડે સુધી કપાઈ ગયો હોવાથી તબીબો તેને બચાવી શક્યા નહોતા.
પરિવારનો એકનો એક લાડકવાયો
રેહાન્સ તેના પરિવારનો એકનો એક પુત્ર હતો. તેના પિતા હજીરાની ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રના અચાનક મોતે પરિવારને ઊંડા આઘાતમાં સરી પાડ્યો છે. જહાંગીરપુરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. રાજ્યમાં 48 કલાકમાં 8 લોકોના મોત, ઇમરજન્સી કેસમાં 1000% નો ઉછાળો આવ્યો છે.
ઉત્તરાયણના બે દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં પતંગની દોરીએ હાહાકાર મચાવ્યો છે:
- મૃત્યુઆંક: રાજ્યમાં પતંગની દોરીથી ગળું કપાવાના કારણે કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે.
- ઈમરજન્સી કેસ: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં 48 કલાકમાં ઈમરજન્સી કેસોમાં 1000 ટકાનો તોતિંગ વધારો નોંધાયો હતો.
- ઇજાના આંકડા: રાજ્યમાં બે દિવસમાં પતંગની દોરીથી ઈજાના કુલ 235 કેસ, ધાબા પરથી પડવાના 24 કેસ અને માર્ગ અકસ્માતના 50 કેસ નોંધાયા છે.
આ કરુણ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તહેવારના દિવસોમાં બાળકોને ક્યારેય ખુલ્લામાં એકલા ન છોડવા જોઈએ.
