જાણો શું છે પેલિકન ટ્રાફિક સિગ્નલ? રાહદારીઓ હવે માત્ર એક બટન દબાવીને આસાનીથી રોડ ક્રોસ કરી શકશે

વિદેશોમાં ઉપયોગ થતી પેલિકન ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ હવે અમદાવાદમાં પણ લગાવી દેવામાં આવી છે. શું છે આ 'પેલિકન ટ્રાફિક સિગ્નલ'? તે જાણો

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 16 Jun 2026 02:29 PM (IST)Updated: Tue, 16 Jun 2026 02:29 PM (IST)
what-is-a-pelican-traffic-signal-and-how-does-this-system-work

What is a pelican traffic signal: પેલિકનએ વાસ્તવમાં 'Pedestrian Light Controlled' નું ટૂંકું અને પ્રચલિત નામ છે. સાદા શબ્દોમાં કહીએ તો, આ એક ‘બટન આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ’ છે, જેનું સંપૂર્ણ નિયંત્રણ ટ્રાફિક પોલીસ કે ઓટોમેટિક ટાઈમરના હાથમાં હોવાને બદલે રસ્તો ક્રોસ કરનારા રાહદારીઓના હાથમાં હોય છે.

આ સિસ્ટમ મુખ્યત્વે એવા વિસ્તારો અથવા ચાર રસ્તાઓ પર લગાવવામાં આવે છે જ્યાં વાહનોની ગતિ વધારે હોય અને પદયાત્રીઓ માટે ઝેબ્રા ક્રોસિંગ પરથી પણ રસ્તો ઓળંગવો જોખમી સાબિત થતો હોય. વિદેશના વિકસિત દેશોમાં આ સિસ્ટમ વર્ષોથી અમલી છે, જે હવે અમદાવાદના રસ્તાઓ પર જોવા મળશે.

'પેલિકન' નામ પાછળનું રહસ્ય

બ્રિટનમાં જ્યારે આ સિસ્ટમ બની ત્યારે પદયાત્રીઓ માટેના આ સિગ્નલને Pedestrian Light Controlled (પદયાત્રી નિયંત્રિત લાઈટ) નામ અપાયું હતું. તેને ટૂંકમાં PELICON કહેવામાં આવ્યું. આ સિગ્નલ ચાલુ થાય ત્યારે પદયાત્રીઓ માટે 'વોકિંગ મેન'નું લીલું સિગ્નલ દેખાય છે, જેથી લોકો સુરક્ષિત રીતે ઝેબ્રા ક્રોસિંગ પાર કરી શકે.

શું છે આ 'પેલિકન ટ્રાફિક સિગ્નલ'?

સામાન્ય રીતે આપણે રસ્તાઓ પર જે ટ્રાફિક સિગ્નલ જોઈએ છીએ તે ઓટોમેટિક અથવા સમયના આધારે બદલાતા હોય છે. પરંતુ પેલિકન સિગ્નલ સંપૂર્ણપણે બટન આધારિત સિસ્ટમ છે. તે ખાસ કરીને પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ સિગ્નલ એવા વ્યસ્ત રસ્તાઓ પર લગાવવામાં આવે છે જ્યાં ચાર રસ્તા ન હોય, પરંતુ પદયાત્રીઓ માટે રસ્તો ઓળંગવો જરૂરી હોય.

આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? (How it Works?)

સામાન્ય ટ્રાફિક સિગ્નલો આપમેળે સમય પ્રમાણે લાલ, પીળા કે લીલા થતા હોય છે, પરંતુ પેલિકન સિગ્નલ રાહદારીની જરૂરિયાત મુજબ સક્રિય થાય છે:

સ્ટેપ 1: જ્યારે કોઈ પદયાત્રીને રસ્તો ક્રોસ કરવો હોય, ત્યારે તેણે રોડ કિનારે સિગ્નલના પોલ પર લગાવેલું એક ખાસ બટન દબાવવાનું રહેશે.

સ્ટેપ 2: બટન દબાવતાની સાથે જ આ સ્માર્ટ સિસ્ટમ એક્ટિવ થઈ જશે. વાહનો માટેનું સિગ્નલ ગ્રીનમાંથી પીળું અને પછી તુરંત લાલ થઈ જશે.

સ્ટેપ ૩: સિગ્નલ લાલ થતાં જ સામેથી આવતા તમામ વાહનો સ્ટોપ લાઈન પાછળ બ્રેક મારીને ઊભા રહી જશે.

સ્ટેપ 4: વાહનો થોભ્યા બાદ પદયાત્રીઓ માટે ગ્રીન સિગ્નલ ઓન થશે, જેથી લોકો કોઈ પણ જાતના ડર કે અકસ્માતના જોખમ વગર આસાનીથી ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરી શકશે.

આ સિસ્ટમના મુખ્ય ફાયદા અને ઉપયોગીતા

વૃદ્ધો અને બાળકો માટે 'સંજીવની'

આ સિસ્ટમ ખાસ કરીને સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે હવે રસ્તો ક્રોસ કરવા માટે વાહનોની સ્પીડ ઓછી થવાની કે કોઈ દયાળુ વાહનચાલક ગાડી ઊભી રાખે તેની રાહ જોવી પડશે નહીં. સી.જી. રોડ પર આનો ઉપયોગ કરનાર પદયાત્રીઓએ પણ જણાવ્યું કે, બટન દબાવતાની સાથે જ ટ્રાફિક રોકાઈ ગયો અને તેઓ ખૂબ જ સુરક્ષિત અનુભવ સાથે રોડ ક્રોસ કરી શક્યા.

ઇમરજન્સીના કિસ્સામાં ઉપયોગી

હોસ્પિટલ, સ્કૂલ કે મોટા માર્કેટ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં અચાનક રોડ ક્રોસ કરવાની જરૂર પડે છે, ત્યાં આ સિસ્ટમ અકસ્માત નિવારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

અકસ્માતોમાં ઘટાડો

વ્યસ્ત કલાકો દરમિયાન ઉતાવળમાં રસ્તો ઓળંગતી વખતે થતા નાના-મોટા અકસ્માતો પર આ ટેક્નોલોજીના કારણે બ્રેક વાગશે.

સમયનો બચાવ

જ્યાં સુધી કોઈ રાહદારી બટન નહીં દબાવે ત્યાં સુધી વાહનો માટે સિગ્નલ ગ્રીન જ રહેશે, જેથી બિનજરૂરી ટ્રાફિક જામ પણ નહીં થાય.