Instagram Carousel Update: ઇન્સ્ટાગ્રામે ભારતીય યુઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક શાનદાર અને અત્યંત ઉપયોગી ફીચર રજૂ કર્યું છે. મેટાની માલિકી ધરાવતા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે હવે તેના લોકપ્રિય 'કેરોયુઝલ' ફીચરમાં મોટો ફેરફાર કરીને Multiple Captions on a Carousel નામનું નવું અપડેટ રોલઆઉટ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે કેરોયુઝલ પોસ્ટની દરેક સ્લાઇડ એટલે કે દરેક અલગ-અલગ ફોટો કે વીડિયો પર અલગ-અલગ કેપ્શન લખી શકશે.
જુના ફોર્મેટમાં શું મર્યાદા હતી?
અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર જ્યારે પણ કોઈ યુઝર એક કરતાં વધુ ફોટો કે વીડિયો એકસાથે શેર કરતો, ત્યારે આખી પોસ્ટ માટે માત્ર એક જ મુખ્ય કેપ્શન લખી શકાતું હતું. આ કેપ્શન બધી સ્લાઇડ્સ પર સરખું જ દેખાતું હતું. પરંતુ આ નવા અપડેટ બાદ હવે આખી પોસ્ટ માટે ટેક્સ્ટનો એક મોટો બ્લોક બતાવવાને બદલે, જે સ્લાઇડ સ્ક્રીન પર દેખાતી હશે તે મુજબ તેનું ચોક્કસ કેપ્શન બદલાશે.
નવું ફીચર કેવી રીતે કામ કરશે?
ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી અને પ્લેટફોર્મના સત્તાવાર ક્રિએટર્સ એકાઉન્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સુવિધાનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે: યુઝર્સે સૌ પ્રથમ કેરોયુઝલ પોસ્ટ બનાવવા માટે એક કરતાં વધુ ફોટા અથવા વીડિયો સિલેક્ટ કરવા પડશે. ત્યારબાદ કેપ્શન ફીલ્ડમાં જઈને Multiple Captions ના વિકલ્પને ઓન એટલે કે સક્ષમ કરવાનો રહેશે. આ ઓપ્શન શરૂ થતાં જ ઇન્સ્ટાગ્રામ દરેક અલગ સ્લાઇડ માટે અલગ કેપ્શન લખવાની મંજૂરી આપશે.
ક્રિએટર્સ માટે કેમ આશીર્વાદરૂપ છે આ અપડેટ?
આ ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે, કારણ કે તે વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગને વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવે છે.
સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ: રસોઈની રેસિપી, ક્રાફ્ટ કે કોઈ પણ પ્રકારના ટ્યુટોરિયલ્સ બનાવતા સર્જકો માટે આ ફીચર અદ્ભુત છે. તેઓ દરેક સ્ટેપના ફોટા સાથે તેની ચોક્કસ રીત નીચે કેપ્શનમાં લખી શકશે.
ટ્રાવેલ અને પ્રોડક્ટ શોકેસ: પ્રવાસના શોખીનો અલગ-અલગ સ્થળોના ફોટા સાથે તેની વિગતો અને કોઈ કંપની પોતાની વિવિધ પ્રોડક્ટ્સના સ્પેસિફિકેશન દરેક સ્લાઇડ પર અલગથી દર્શાવી શકશે.
વધુ યુઝર એન્ગેજમેન્ટ: સામાન્ય રીતે સિંગલ પોસ્ટ કરતાં કેરોયુઝલ પોસ્ટ પર યુઝર્સ વધુ સમય વિતાવે છે. હવે દરેક સ્લાઇડ પર નવું કેપ્શન હોવાથી યુઝર્સ વધુ રસપૂર્વક આખી પોસ્ટ સ્ક્રોલ કરશે.
અન્ય મહત્વના અપડેટ્સ
આ ફીચર હાલમાં ભારતમાં સત્તાવાર રીતે રોલઆઉટ થઈ ગયું છે. આ પહેલા ઇન્સ્ટાગ્રામે પ્રોફાઇલ ગ્રીડને મેનેજ કરવા માટે પણ એક શાનદાર ફીચર આપ્યું હતું, જેમાં યુઝર્સ પોતાની જૂની પોસ્ટને ડિલીટ કર્યા વગર પ્રોફાઇલમાં તેનો ક્રમ બદલી શકે છે. મેટા દ્વારા લાવવામાં આવેલા આ બંને અપડેટ્સ યુઝર્સને પ્રોફાઇલ મેનેજમેન્ટ અને કન્ટેન્ટ પ્રેઝન્ટેશન પર વધુ નિયંત્રણ આપે છે.
