એપાર્ટમેન્ટમાં સોલાર પેનલ કેવી રીતે લગાવવી? જાણો ફાયદા અને રીતો

શું તમે ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં રહો છો અને સોલાર લગાવવા માંગો છો? ખાનગી છત વગર સોલાર સિસ્ટમ લગાવવાની 3 સરળ રીતો અને તેનાથી થતા આર્થિક ફાયદાઓ વિશે અહીં જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 20 Jun 2026 02:34 PM (IST)Updated: Sat, 20 Jun 2026 02:34 PM (IST)
how-to-install-solar-panel-in-flat-without-roof-apartment-solar-benefits-subsidy-gujarat

Benefits of installing solar in a flat: આજના સમયમાં સોલાર એનર્જીનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ, જે લોકો એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહે છે, તેમના મનમાં હંમેશા એ સવાલ હોય છે કે પોતાની ખાનગી છત વગર સોલાર સિસ્ટમ કેવી રીતે લગાવવી? ફ્લેટમાં રહેતા લોકો પણ સોલારનો લાભ સરળતાથી મેળવી શકે છે. અહીં એપાર્ટમેન્ટમાં સોલાર લગાવવાની રીતો અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.

ફ્લેટ ધારકો માટે સોલાર લગાવવાના 3 મુખ્ય વિકલ્પો

જો તમારી પાસે વ્યક્તિગત છત નથી, તો પણ તમે આ 3 વિકલ્પો દ્વારા સોલાર અપનાવી શકો છો:

કોમ્યુનિટી સોલાર: સોસાયટીના તમામ સભ્યો મળીને કોમન છત પર સોલાર સિસ્ટમ લગાવી શકે છે. આનાથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ સોસાયટીના કોમન એરિયા જેમ કે લિફ્ટ, વોટર પંપ અને સ્ટ્રીટ લાઈટ્સ માટે થાય છે, જેનાથી મેન્ટેનન્સ ખર્ચ ઘટે છે.

બાલ્કની અથવા વિન્ડો સોલાર: જો તમારી બાલ્કનીમાં સારો તડકો આવતો હોય, તો તમે ત્યાં નાના કદની પ્લગ-એન્ડ-પ્લે બાલ્કની સોલાર પેનલ્સ લગાવી શકો છો. આ પેનલ્સ ઓછી વીજળી ઉત્પન્ન કરે છે પરંતુ ઘરમાં નાના ઉપકરણો ચલાવવા માટે પૂરતી હોય છે.

વર્ચ્યુઅલ સોલાર: કેટલીક જગ્યાએ સરકાર અને વીજ કંપનીઓ વર્ચ્યુઅલ નેટ મીટરિંગની સુવિધા આપે છે. આમાં ગ્રાહક સોસાયટીની બહાર કોઈ અન્ય જગ્યાએ પેનલ લગાવીને તેની વીજળી ક્રેડિટ પોતાના ફ્લેટના બિલમાં મેળવી શકે છે.

એપાર્ટમેન્ટમાં સોલાર લગાવવાના અદભુત ફાયદા

એપાર્ટમેન્ટમાં સોલાર સિસ્ટમ લગાવવાથી રહેવાસીઓને આર્થિક અને પર્યાવરણીય રીતે મોટો ફાયદો થાય છે:

મેન્ટેનન્સ ખર્ચમાં મોટો ઘટાડો: એપાર્ટમેન્ટમાં લિફ્ટ, પાર્કિંગ લાઈટ્સ, ગાર્ડન અને વોટર પંપ પાછળ ઘણો વીજળી ખર્ચ થાય છે. સોલાર લગાવવાથી કોમન વીજ બિલ 60% થી 80% સુધી ઘટી જાય છે, જેનાથી ફ્લેટના માસિક મેન્ટેનન્સમાં મોટી રાહત મળે છે.

સરકારી સબસિડીનો લાભ: ભારત સરકારની 'PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ ગ્રુપ હાઉસિંગ સોસાયટીઓ (GHS) ને કોમન ફેસિલિટી માટે સોલાર લગાવવા પર મોટી સબસિડી મળે છે.

પ્રોપર્ટીના મૂલ્યમાં વધારો: જે એપાર્ટમેન્ટમાં સોલાર સિસ્ટમ અને ગ્રીન એનર્જીની સુવિધા હોય છે, તેવા ફ્લેટ્સની રિસેલ વેલ્યુ અને ભાડું બજારમાં વધારે મળે છે.

પર્યાવરણ સુરક્ષા: સૌર ઉર્જા બિલકુલ પ્રદૂષણ મુક્ત છે. એપાર્ટમેન્ટમાં સોલાર અપનાવવાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ મળે છે.

ફ્લેટમાં રહેતા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. સોસાયટીના સભ્યો સાથે મળીને અથવા બાલ્કની સોલારના વિકલ્પ દ્વારા તમે પણ વીજ બિલમાંથી મુક્તિ મેળવી શકો છો અને દેશને ગ્રીન એનર્જી તરફ આગળ વધારવામાં યોગદાન આપી શકો છો.