Loading...

WPL 2026 Final: વડોદરામાં RCB અને DC વચ્ચે ફાઈનલ જંગ, શું સ્મૃતિ મંધાનાની સેના વર્ષો જૂનો ઇતિહાસ બદલી શકશે?

મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ના ખિતાબી જંગ માટે મંચ તૈયાર થઈ ગયો છે. દિલ્હી પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે આતુર છે, ત્યાં બેંગ્લુરુ બીજી વખત ટાઇટલ જીતીને ઇતિહાસ રચવા માંગે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Thu 05 Feb 2026 09:56 AM (IST)Updated: Thu 05 Feb 2026 09:56 AM (IST)
rcb-vs-dc-wpl-2026-final-match-preview-head-to-head-records-686044

RCB vs DC, WPL 2026 Final: મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 ના ખિતાબી જંગ માટે મંચ તૈયાર થઈ ગયો છે. આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ફાઇનલ મેચ રમાશે. આ મેચ માત્ર ટ્રોફી માટેની લડાઈ નથી, પરંતુ બે શ્રેષ્ઠ મિત્રો, સ્મૃતિ મંધાના અને જેમીમા રોડ્રિગ્સ વચ્ચેની કેપ્ટન્સીની કસોટી પણ છે. જ્યાં દિલ્હી પ્રથમ વખત ચેમ્પિયન બનવા માટે આતુર છે, ત્યાં બેંગ્લુરુ બીજી વખત ટાઇટલ જીતીને ઇતિહાસ રચવા માંગે છે.

RCB vs DC, WPL 2026 Final: RCB સામે ઇતિહાસ બદલવાનો પડકાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે બીજી વખત ચેમ્પિયન બનવું એટલું સરળ નહીં હોય, કારણ કે તેમણે એક અનોખો રેકોર્ડ તોડવો પડશે. WPL ના ઇતિહાસમાં અત્યાર સુધી એવું બન્યું છે કે જે ટીમ લીગ સ્ટેજમાં ટોપ પર રહીને સીધી ફાઇનલમાં પહોંચી છે, તે ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. આ વખતે RCB એ એલિમિનેટર રમ્યા વગર સીધી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જો સ્મૃતિની ટીમ ચેમ્પિયન બને છે, તો તે WPL ના આ ટ્રેન્ડને બદલનારી પ્રથમ ટીમ બનશે.

RCB vs DC, WPL 2026 Final: કોટંબી સ્ટેડિયમમાં આંકડા કોની તરફેણમાં?

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં બંને ટીમોના પ્રદર્શન પર નજર કરીએ તો:

RCB: આ મેદાન પર રમાયેલી 6 માંથી 4 મેચમાં જીત મેળવી છે. ચાલુ સિઝનમાં ટીમે અહીં 4 માંથી 2 મેચ જીતી છે.

DC: દિલ્હીનો રેકોર્ડ અહીં વધુ મજબૂત છે. તેમણે 8 માંથી 6 મેચમાં વિજય મેળવ્યો છે. વર્તમાન સિઝનમાં દિલ્હીએ વડોદરામાં 5 માંથી 4 મેચ જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.

RCB vs DC, WPL 2026 Final: હેડ-ટુ-હેડ રેકોર્ડ

બંને ટીમો વચ્ચેના આમને-સામનેના મુકાબલાની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સનું પ્રભુત્વ જોવા મળે છે. WPL ઇતિહાસમાં અત્યાર સુધી બંને ટીમો 9 વખત ટકરાઈ છે, જેમાંથી 6 વખત દિલ્હીનો વિજય થયો છે. વર્તમાન સિઝનમાં દિલ્હી કેપિટલ્સની સૌથી મોટી તાકાત લક્ષ્યનો પીછો કરવાની રહી છે, જેમાં તેમણે પોતાની તમામ 5 જીત મેળવી છે. બીજી તરફ, RCB એ આ સિઝનમાં 4 જીત નોંધાવી છે, જેમાં રન ચેઝ અને સ્કોર ડિફેન્ડ બંને રીતે સંતુલિત દેખાવ કર્યો છે.