Loading...

IPL 2026: ક્રિકેટના મહાકુંભના એ 10 'મહારિકોર્ડ્સ' જે આજે પણ છે અજેય, શું આ સીઝનમાં તૂટશે વર્ષો જૂના આંકડા?

IPL 2026 શરૂ થવા સાથે IPL ઈતિહાસના 10 સૌથી મોટા અને હજુ સુધી અજેય રેકોર્ડ્સ પર નજર. વિરાટ કોહલીના 973 રન, ક્રિસ ગેલના 175 રન, KKRની સતત 10 જીત સહિત અનેક મહારિકોર્ડ્સ વિશે જાણો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 28 Mar 2026 08:49 AM (IST)Updated: Sat 28 Mar 2026 08:49 AM (IST)
ipl-2026-top-10-unbreakable-records-virat-kohli-chris-gayle-ipl-history-716982

IPL 2026 Records: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનનો પ્રારંભ આજે 28 માર્ચ, શનિવારથી થવા જઈ રહ્યો છે. ઓપનિંગ મેચમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે જંગ જામશે. IPL ના 18 વર્ષના ઈતિહાસમાં અનેક રેકોર્ડ બન્યા અને તૂટ્યા છે, પરંતુ કેટલાક એવા પરાક્રમો છે જે આજે પણ લોખંડી દીવાલની જેમ અકબંધ છે. 2026 ની આ સીઝનમાં પણ આ 10 રેકોર્ડ્સ તોડવા કોઈપણ ખેલાડી માટે લોઢાના ચણા ચાવવા સમાન છે.

વિરાટ કોહલી: એક જ સીઝનમાં 973 રનનો પહાડ

વર્ષ 2016માં વિરાટ કોહલીએ જે બેટિંગ કરી હતી તે આજે પણ એક સ્વપ્ન સમાન લાગે છે. તેણે એક જ સીઝનમાં 4 સદી અને 7 અડધી સદીની મદદથી 973 રન બનાવ્યા હતા. 2023માં શુભમન ગિલ (890 રન) આ રેકોર્ડની નજીક પહોંચ્યો હતો, પરંતુ કોહલીનો આ આંકડો છેલ્લા 10 વર્ષથી અતૂટ છે.

KKR ની સતત 10 મેચમાં જીત

ગૌતમ ગંભીરની કેપ્ટનશીપ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 2014 થી 2015 વચ્ચે સતત 10 મેચ જીતી હતી. આ વિજય રથને આજે પણ કોઈ ટીમ રોકી કે સર કરી શકી નથી.

'યુનિવર્સ બોસ'ની 17 સિક્સર અને 175 રન

ક્રિસ ગેલે 2013માં અણનમ 175 રન બનાવ્યા હતા, જે IPL ઇતિહાસનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. આ જ ઇનિંગમાં તેણે 17 છગ્ગા ફટકાર્યા હતા, જે એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ છે.

કોહલી-ડી વિલિયર્સની 229 રનની ઐતિહાસિક ભાગીદારી

14 મે, 2016 ના રોજ ગુજરાત લાયન્સ સામે રમતા આરસીબીના વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સે બીજી વિકેટ માટે 229 રન જોડ્યા હતા. એક જ મેચમાં બે બેટ્સમેનોએ સદી ફટકારી હોય તેવો આ દુર્લભ કિસ્સો હતો.

એક ઓવરમાં 37 રનનો વિસ્ફોટ

IPL ની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સંયુક્ત રીતે ક્રિસ ગેલ (2011) અને રવિન્દ્ર જાડેજા (2021) ના નામે છે. બંનેએ પોતપોતાની ઓવરમાં 37-37 રન લૂંટ્યા હતા.

ફિલ્ડિંગમાં એબી ડી વિલિયર્સનો દબદબો

વિકેટકીપર સિવાય માત્ર ફિલ્ડર તરીકે એક જ સીઝનમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે. તેણે 2016 માં કુલ 19 કેચ પકડીને મેદાન પર પોતાની ચપળતા સાબિત કરી હતી.

ક્રિસ ગેલની 30 બોલમાં સદી

2013માં પુણે વોરિયર્સ સામે ક્રિસ ગેલે માત્ર 30 બોલમાં સદી ફટકારીને વિશ્વને ચોંકાવી દીધું હતું. 2025માં વૈભવ સૂર્યવંશીએ 35 બોલમાં સદી ફટકારી આ રેકોર્ડને પડકાર્યો હતો, છતાં ગેલનો '30 બોલ'નો રેકોર્ડ હજુ પણ નંબર-1 પર છે.

યશસ્વી જયસ્વાલની સૌથી ઝડપી ફિફ્ટી

રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ પહેલા કેએલ રાહુલ (14 બોલ) ના નામે આ રેકોર્ડ હતો.

અલ્ઝારી જોસેફનું ડેબ્યૂમાં સિક્સર પ્રદર્શન

વેસ્ટ ઈન્ડિઝના બોલર અલ્ઝારી જોસેફે 2019માં મુંબઈ ઇન્ડિયન્સ માટે ડેબ્યૂ કરતા હૈદરાબાદ સામે માત્ર 12 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ કોઈપણ બોલરનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે.

અમિત મિશ્રાની હેટ્રિકની 'હેટ્રિક'

સ્પિનર અમિત મિશ્રાના નામે IPL માં સૌથી વધુ 3 હેટ્રિક (2008, 2011, 2013) લેવાનો રેકોર્ડ છે. યુવરાજ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ 2-2 હેટ્રિક સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.