IND vs AFG: 55 વર્ષના ODI ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર બન્યા બે મોટા રેકોર્ડ, શુભમન-ઈશાનનું નામ ઈતિહાસમાં નોંધાયું

અફઘાનિસ્તાનને 170 રને પરાજય આપીને ભારતે ODI સિરીઝમાં જીત નિશ્ચિત કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 18 Jun 2026 09:21 AM (IST)Updated: Thu, 18 Jun 2026 09:21 AM (IST)
ind-vs-afg-2nd-odi-rocord-indian-cricket-team-shubman-gill-ishan-kishan

IND vs AFG, Shubman Gill-Ishan Kishan Record: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં રમાયેલી ત્રણ વનડે મેચોની સિરીઝમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી વનડે મેચમાં કેપ્ટન શુભમન ગિલ અને ઈશાન કિશનની તોફાની સદીની મદદથી ભારતે અફઘાનિસ્તાનને 170 રને પરાજય આપીને સિરીઝમાં 2-0 થી અજેય લીડ મેળવી લીધી છે.

52 વર્ષમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ 

આ મેચમાં શુભમન ગિલ અને ઈશાન કિશને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવો જ અધ્યાય ઉમેર્યો છે. બંને બેટ્સમેનોએ 80 કે તેથી ઓછા બોલ રમીને પોતાની સદી પૂરી કરી હતી, જે ભારતીય વનડે ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે.

ભારતે તેની પ્રથમ વનડે 13 જુલાઈ 1974ના રોજ રમી હતી. અત્યાર સુધીમાં રમાયેલી 1077 મેચોના ઇતિહાસમાં બુધવારે પહેલીવાર એવું બન્યું જ્યારે એક જ મેચમાં બે ભારતીય ખેલાડીઓએ 80 કે તેથી ઓછા બોલમાં સદી ફટકારી હોય. શુભમન ગિલે 77 બોલમાં અને જ્યારે ઈશાન કિશને માત્ર 71 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

ગિલ અને ઈશાનની તોફાની ભાગીદારી 

આ મેચમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (4 રન) અને રોહિત શર્મા (48 રન) આઉટ થયા બાદ શુભમન ગિલ અને ઈશાન કિશને મેદાનમાં તોફાની બેટિંગ કરી હતી. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 224 રનની જંગી ભાગીદારી નોંધાઈ હતી.

  • શુભમન ગિલ: કેપ્ટન ગિલે 110 બોલમાં 22 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી શાનદાર 154 રનની ઇનિંગ રમી હતી.
  • ઈશાન કિશન: ઈશાન કિશને આક્રમક અંદાજમાં 79 બોલમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 125 રન બનાવ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના નામે વધુ એક રેકોર્ડ

આ શાનદાર બેટિંગની મદદથી ભારતે 49.2 ઓવરમાં 402 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જોકે, મધ્યક્રમ નિષ્ફળ રહેતા ભારત 450 રન સુધી પહોંચવામાં ચૂકી ગયું અને ટીમ ઇન્ડિયાના નામે એક એવો રેકોર્ડ પણ નોંધાયો જે કોઈ ટીમ ઈચ્છશે નહીં.

વનડે ક્રિકેટની શરૂઆત 1971 માં થઈ હતી, અને 55 વર્ષના ઇતિહાસમાં ભારત પહેલી એવી ટીમ બની છે જે 400 રનનો આંકડો પાર કર્યા પછી ઓલઆઉટ થઈ ગઈ હોય. અગાઉ કોઈ પણ ટીમ 400+ રન બનાવ્યા પછી ઓલઆઉટ થઈ નહોતી.

અફઘાનિસ્તાન ટીમની થઈ શરમજનક હાર 

ભારતના 403 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ દબાણ સામે ઝૂકી ગઈ હતી અને 44.3 ઓવરમાં માત્ર 232 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે શ્રેણી પોતાના નામે કરી લીધી છે.