Bihari Samosa London: લંડનમાં 'બિહારી સમોસા ઘંટાવાલા' નામે દુકાન ચલાવતા એક ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યા છે. આ વ્યક્તિનું નામ યોગેશ્વર શાહ ઉર્ફે 'યોગ' છે, જેઓની ઉંમર 53 વર્ષ છે અને તેઓ મૂળ ગુજરાત સાથે તાલ્લુક ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી હોવા છતાં તેઓ 'બિહારી' અંદાજમાં સમોસા વેચી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
પિતાના 50 વર્ષ જૂના વારસાને પહોંચાડ્યો વિદેશ
યોગેશ્વર શાહ તેમના પિતા કાલીશાપ્રસાદ કિશનલાલ શાહની 50 વર્ષ જૂની રેસીપીને વૈશ્વિક સ્તરે લઈ જઈ રહ્યા છે. તેમના પિતા ગુજરાતના નડિયાદમાં સમોસાની દુકાન ચલાવતા હતા. આજે યોગેશ્વર આ જ સ્વાદ લંડનના લોકોને પીરસી રહ્યા છે. તેઓ માત્ર દુકાન જ નહીં, પણ ખભા પર સમોસાનો સ્ટૉલ લટકાવીને લંડનની શેરીઓ અને મેટ્રો ટ્રેનની અંદર પણ સમોસા વેચતા જોવા મળે છે.
રોજના 5000 સમોસાનું વેચાણ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મુજબ આ 'બિહારી સમોસાવાળા' ભાઈ દરરોજ અંદાજે 5000 જેટલા સમોસા બનાવે છે. જો કિંમતની વાત કરીએ તો લંડનમાં તેમના એક સમોસાની કિંમત 3 યુરો (અંદાજે 315 રૂપિયા) છે. એક વીડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ દિવસના 10,000 (અંદાજે 10 લાખ રૂપિયા) જેટલી કમાણી કરી લે છે, જોકે લંડનમાં દુકાન ચલાવવાનો ખર્ચ પણ ઘણો વધારે હોય છે.
હાલમાં લંડનમાં 'બિહારી સમોસા ઘંટાવાલા'ની બે શાખાઓ કાર્યરત છે. તેમની પહેલી દુકાન વેમ્બલીમાં ઈલિંગ રોડ પર સનાતન મંદિરની સામે આવેલી છે. જ્યારે બીજી દુકાન સાઉથ હેરો માર્કેટમાં નોર્થોલ્ટ રોડ પર સ્થિત છે. પોતાની અનોખી માર્કેટિંગ શૈલી અને સ્વાદને કારણે તેઓ યુકેમાં વસતા ભારતીયોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
