Who is Arun Panwar: સોશિયલ મીડિયા પર હાલ દહેજ પ્રથાના મુદ્દે એક નવી અને ઉગ્ર ચર્ચાએ જોર પકડ્યું છે. આ વિવાદના કેન્દ્રમાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ 2.4 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા જાણીતા યુટ્યુબર અરુણ પનવાર છે. અરુણ પનવારના લગ્નના કેટલાક વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમના પર દહેજ પ્રથાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
વાયરલ થઈ રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન દરમિયાન અરુણ પનવારને અંદાજે 71 લાખ રૂપિયા રોકડા અને 21 તોલા સોનું 'ભેટ' તરીકે આપવામાં આવ્યું હતું. જોકે લગ્ન 2025 ના અંતમાં થયા હતા, પરંતુ 2026 ની શરૂઆતમાં આ વીડિયો વાયરલ થતા જ વિવાદ વકર્યો છે. નેટિઝન્સ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે ભારતની લોકશાહીમાં 'દહેજ પ્રતિબંધ કાયદો, 1961' હેઠળ દહેજ લેવું અને આપવું બંને ગુનો હોવા છતાં, આટલી મોટી રકમને 'ભેટ' કહીને કેવી રીતે વાજબી ઠેરવી શકાય?
સક્ષમ હોવા છતાં દહેજ સ્વીકારવા બદલ રોષ
અરુણ પનવારની લોકપ્રિયતા અને તેમની આર્થિક સદ્ધરતાને જોતા લોકોમાં વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, તેમની યુટ્યુબ ચેનલ પરથી માસિક આવક અંદાજે 20 થી 25 લાખ રૂપિયા છે. આટલી મોટી કમાણી હોવા છતાં આટલી માતબર રકમ સ્વીકારવા બદલ લોકો તેમને સોશિયલ મીડિયા પર આડે હાથ લઈ રહ્યા છે.
નેટિઝન્સની પ્રતિક્રિયા
એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, 'આ સામાજિક દુષણ 2026 માં પણ જીવંત છે, જે અત્યંત શરમજનક છે. જ્યારે પ્રભાવશાળી લોકો આવી પ્રથાઓમાં જોડાય છે, ત્યારે તે સમાજમાં ખોટો સંદેશ આપે છે.'
શિક્ષિત પત્ની અને સામાજિક જવાબદારી
આ વિવાદનો સૌથી ચોંકાવનારો પાસું એ છે કે અરુણ પનવારની પત્ની પોતે એક સફળ સર્જન છે. સોશિયલ મીડિયા પર લોકો નિરાશા વ્યક્ત કરી રહ્યા છે કે એક ઉચ્ચ શિક્ષિત અને આત્મનિર્ભર મહિલાના લગ્નમાં પણ જો આવી પ્રથા ચાલતી હોય, તો સામાન્ય સમાજ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? કેટલાક લોકોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારની 'ભેટો' ની માંગણી મહિલા માટે માનસિક કે શારીરિક ત્રાસનું કારણ બની શકે છે. હાલમાં આ મામલે અરુણ પનવાર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
