રીલ્સના રવાડે ચડેલા નબીરાએ સ્કોર્પિયોને ડીઝલથી નવડાવી, પેટ્રોલ પંપનો VIDEO VIRAL થતાં પોલીસે ધરપકડ કરી

વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલી પોલીસે નબીરાને અને વીડિયો ઉતારનાર તેના મિત્રને ઝડપી પાડ્યા અને સ્કોર્પિયો પણ કબજે કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 04 Apr 2026 05:36 PM (IST)Updated: Sat, 04 Apr 2026 05:37 PM (IST)
shocking-viral-video-man-washes-scorpio-with-diesel-at-petrol-pump-arrested
HIGHLIGHTS
  • રાજસ્થાનના સિરોહી જિલ્લાના પાલડી ગામના પેટ્રોલ પંપનો બનાવ
  • યુવકે સ્કોર્પિયોમાં પેટ્રોલ પુર્યા બાદ નોઝલ પકડીને ડીઝલથી કાર ધોઈ

Viral Video: આજના ઈન્ટરનેટ યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને ફૉલોઅર્સ વધારવા માટે કેટલાક લોકો અવનવા ગતકડાં કરતાં રહે છે. જો કે ઘણીવાર તેમને પોતાના જ આવા સ્ટંટ ગણો કે શોખ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતા જ રહે છે, ત્યારે આવો જ એક વીડિયો રાજસ્થાનના સિરોહી જિલ્લાના પાલડી ગામમાંથી સામે આવ્યો છે.

પેટ્રોલ પંપ પર નોઝલ પકડી ડીઝલથી સ્કોર્પિયો ધોવા લાગ્યો

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક પોતાની સ્કોર્પિયો કારને ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર લઈને પહોંચ્યો હતો. જ્યાં તે ટાંકી ફૂલ કરાવ્યા બાદ પંપનું નોઝલ લઈને ડીઝલથી પોતાની સ્કોર્પિયો ધોવા માંડ્યો હતો.

એકતરફ મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે સમગ્ર વિશ્વમાં ક્રૂડનું સંકટ ઘેરાઈ રહ્યું છે, ત્યાં બીજી તરફ આ યુવક ડીઝલ વેડફી રહ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં હરકતમાં આવેલ પોલીસે તાત્કાલિક સ્કોર્પિયોના માલિક અને તેના મિત્રની ધરપકડ કરી લીધી છે.

ખુદ યુવકે આ વીડિયો બનાવીને પોતાની સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે જોત-જોતામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવક એકદમ બિન્દાસ્ત બનીને ડીઝલથી પોતાની સ્કોર્પિયો ધોઈ રહ્યો છે.

પોલીસે કાર કબજે લીધી, માલિક અને વીડિયો બનાવનાર કેમેરામેનની ધરપકડ કરી

આ વીડિયો ધ્યાનમાં આવતા પાલડી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ અને તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં યુવકની ઓળખ છિબા ગામમાં રહેતા મહિપાલસિંહ તરીકે થઈ હતી. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી, જ્યારે તેનો ડીઝલથી ગાડી ધોતો વીડિયો બનાવનાર કેમેરામેનને પણ ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે સ્કોર્પિયો પણ જપ્ત કરી લીધી છે.

— Nitin Prajapati (@Prajapat204) April 2, 2026

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આ બન્ને યુવકોએ માત્ર પોતાનો શોખ પુરો કરવા અને સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે આવો ખતરનાક સ્ટંટ કર્યો હતો. તેમને સહેજ પણ અંદાજ નહતો કે, તેમની આજ રીલ્સ તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેશે.

આ ઘટના બાદ પોલીસે સંદેશો આપ્યો છે કે, સોશિયલ મીડિયા પર લાઈક્સ અને ફૉલોઅર્સ માટે આ પ્રકારના કૃત્ય કરવાથી લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકે છે.