VIRAL VIDEO: આંખના પલકારામાં હાઈવે પરથી કચરો સાફ, ચીનનું સ્વીપર મશીન જોઈ યુઝર્સ બોલ્યા- 'આની ખરી જરૂર ભારતમાં છે'

80 કિમી પ્રતિકલાકની ઝડપે દોડતું આ મશીન ટ્રાફિક સર્જ્યા વિના રસ્તા પરથી કચરા સાથે નાના પથ્થરોને સાફ કરતું આગળ વધે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 12 Jun 2026 07:26 PM (IST)Updated: Fri, 12 Jun 2026 07:26 PM (IST)
china-highway-sweeper-machine-high-speed-road-cleaner-video-goes-viral
HIGHLIGHTS
  • ચીનના સ્વીપર મશીનનો વીડિયો જોનારા ચોંકી ઉઠ્યા

China Sweeper Machine Video Viral: 'સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ' ગુજરાતીની આ પ્રચલિત ઉક્તિ સુખી અને તંદુરસ્ત જીવનનો પાયો ગણાય છે. ભારત સરકાર પણ સ્વછતા અભિયાન ચલાવીને લોકોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરી રહી છે. શહેરોમાં મોડી રાતે કર્મચારીઓ સાવરણા લઈને સાફ કરતા હોય છે. ઘણીવાર રોડની સફાઈ કરવા માટે મશીનોનો પણ ઉપયોગ થતો પણ આપણે જોયો જ હશે, પરંતુ શું તમે એવું મશીન જોયું છે, જે જેટની સ્પીડે દોડતા-દોડતા આખા રોડ પરથી કચરાને સાફ કરી નાંખો.

હકીકતમાં ચીનનું એક નવું સ્વીપર મશીન હાલના દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ છવાઈ ગયું છે. વાયરલ વીડિયોમાં આ મશીન હાઈ સ્પીડથી એક્સપ્રેસ વે પર દોડી રહ્યું છે અને રોડ પર ફેલાયેલા કચરા ઉપરાંત કાંકરા સહિતના પથ્થરોને આંખના પલકારામાં સાફ કરતું જાય છે. સ્વીપર મશીનની જેટ સ્પીડ અને કામ કરવાની રીત જોનારાને નવાઈ લાગી રહી છે.

ટ્રાફિક સમસ્યા વિના રસ્તા સ્વચ્છ

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક્સપ્રેસ વે પર ઠેર-ઠેર કચરો ફેલાયેલો છે. આ સમયે જ હાઈવે સ્વીપર મશીન પુરપાટ ગતિએ ત્યાંથી પસાર થાય છે અને ટ્રાફિકની અડચણ વિના જ રસ્તાને સાફ કરતું આગળ વધી જાય છે. આ મશીન લગભગ 80 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે કામ કરતું હોવાનું મનાય છે.

અત્યારે ભારતમાં જોવા મળતી રસ્તા સાફ કરતી ગાડીઓ ધીમે-ધીમે પસાર થાય છે. જેના કારણે ટ્રાફિક જામ થઈ શકે છે. જો કે ચીનના આ સ્વીપર મશીન પુરપાટ ગતિએ રસ્તાને સાફ કરતું આગળ વધી જાય છે. જેના કારણે વાહનોની અવરજવરને કોઈ અવરોધ નથી નડતો.

ભારતમાં આવું મશીન આવે તો મજા પડી જાય

આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં લોકો તરેહ-તરેહની કૉમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ મશીનની ટેક્નૉલોજી અને તેની સ્પીડના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક લોકો રોડ પરના કચરા પર સવાલ ઉઠાવી રહ્યા છે, તો કોઈ AI વીડિયો કહી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, ભારતમાં પણ આવું એક મશીન આવી જાય તો મજા પડે. આવા મશીનની ખરેખર ભારતમાં જરૂર છે. અન્ય એક યુઝર્સે લખ્યું કે, ભારતમાં હોય તો આટલી સ્પીડમાં ટ્રક વાળો 50 લોકોને કચડી નાંખે. બીજા યુઝર્સે લખ્યું કે, આટલી સ્પીડમાં તો ભારતમાં ચોર પણ નથી ભાગતા.