લગ્ન પછી વરરાજાની વિદાય! જાણો ભારતના એવા અનોખા વિસ્તારો વિશે જ્યાં પુરુષોએ જવું પડે છે સાસરે

ભારતના આ અનોખા વિસ્તારોમાં લગ્ન પછી દીકરી સાસરે નથી જતી, પણ જમાઈ રાજાએ પત્નીના ઘરે કાયમી રહેવા આવવું પડે છે! જાણો મેઘાલય અને યુપીના આ રસપ્રદ રિવાજો વિશે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 15 Jun 2026 12:50 PM (IST)Updated: Mon, 15 Jun 2026 12:50 PM (IST)
unique-indian-villages-where-groom-leaves-home-after-marriage

Ghar Jamai Tradition: સામાન્ય રીતે ભારતીય સમાજમાં લગ્ન પછી દીકરી ભારે હૈયે પોતાનું ઘર છોડીને સાસરે જાય તેવી પરંપરા સદીઓથી ચાલી આવે છે. પરંતુ વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં કેટલાક એવા પણ અનોખા પ્રદેશો છે, જ્યાં આ રિવાજ તદ્દન ઉલટો છે. આ વિસ્તારોમાં કન્યા નહીં, પણ વરરાજા પોતાના માતા-પિતાનું ઘર છોડીને પત્નીના ઘરે કાયમી વસવાટ કરવા જાય છે. આવો જાણીએ ભારતના એવા જ કેટલાક રસપ્રદ સ્થળો વિશે જ્યાં 'જમાઈ રાજા' ઘરના મુખ્ય સભ્ય બનીને રહે છે:

મેઘાલયની ખાસી અને ગારો જ્ઞાતિ (માતૃસત્તાક પ્રથા)

ઉત્તર-પૂર્વ ભારતના સુંદર રાજ્ય મેઘાલયમાં વસતી ખાસી અને ગારો જનજાતિઓમાં સ્ત્રી-પ્રધાન એટલે કે માતૃસત્તાક વ્યવસ્થા જોવા મળે છે. અહીં પરિવારની ધુરા પુરુષોના બદલે મહિલાઓના હાથમાં હોય છે. માતા-પિતાની તમામ સંપત્તિ પર ઘરની સૌથી નાની દીકરીનો અધિકાર હોય છે. લગ્ન બાદ વરરાજા પોતાની પત્નીના ઘરે આવીને 'ઘરજમાઈ' તરીકે જીવન વિતાવે છે.

દમાદનપૂર્વા (કાનપુર દેહાત, ઉત્તર પ્રદેશ)

સામાન્ય રીતે ઉત્તર ભારતમાં પુરુષ પ્રધાન વ્યવસ્થા વધુ જોવા મળે છે, પરંતુ કાનપુર દેહાતની અકબરપુર તહેસીલમાં આવેલું 'દમાદનપૂર્વા' ગામ એક મોટો અપવાદ છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી અહીં દીકરીઓને સાસરે મોકલવાને બદલે જમાઈને જ ઘરમાં રાખી લેવાય છે. ગામલોકો જમાઈને રહેવા માટે જમીન અને મકાન પણ આપે છે; આ અનોખી પરંપરાને કારણે જ આખા ગામનું નામ 'દમાદનપૂર્વા' પડી ગયું છે.

જમાઈપુરા (બાગપત, પશ્ચિમ ઉત્તર પ્રદેશ)

પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક આખી વસાહત જ જમાઈઓથી વસેલી છે, જેનું નામ 'જમાઈપુરા' છે. આ વિસ્તારમાં હાલમાં 500 થી વધુ એવા પરિવારો રહે છે જેમાં પુરુષો લગ્ન પછી પોતાના સાસરામાં કાયમી સ્થાયી થયા છે; અહીંના સ્થાનિક લોકો આ પરંપરાને સામાજિક સહયોગનું એક ઉત્તમ ઉદાહરણ માને છે.

પાંધ્રાખેડી ગામ (છિંદવાડા, મધ્ય પ્રદેશ)

આદિવાસી સંસ્કૃતિથી સમૃદ્ધ મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના પાંધ્રાખેડી ગામમાં દરેક પુરુષ માટે લગ્ન પછી સાસરે રહેવું કાયદા સમાન ફરજિયાત છે. લગ્ન બાદ દુલ્હન માત્ર થોડા દિવસો માટે જ સાસરે જાય છે અને તરત જ પતિને લઈને પોતાના પિયર પાછી આવી જાય છે ત્યાર બાદ જમાઈ પોતાના સસરા સાથે ખેતીવાડી અને ઘરકામમાં મદદ કરીને આખી જિંદગી ત્યાં જ વિતાવે છે.

નિમોલા ગામ (બુરહાનપુર, મધ્ય પ્રદેશ)

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાનું નિમોલા ગામ છેલ્લા 200 વર્ષથી આ અનોખી પરંપરાને જીવંત રાખીને બેઠું છે. અહીં આ પ્રથા કોઈ એક ધર્મ કે જ્ઞાતિ પૂરતી મર્યાદિત નથી. મરાઠા, તડવી, પઠાણ અને બૌદ્ધ જેવા તમામ સમુદાયના લોકો આ રિવાજને હોંશે-હોંશે નિભાવે છે; આ પ્રથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારના આપસી સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.

બદલાતા સમય સાથે ભલે દુનિયા આધુનિક થઈ રહી હોય, પરંતુ ભારતના આ ગામો અને જ્ઞાતિઓ આજે પણ પોતાની આ અનોખી પરંપરાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને કૌટુંબિક એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.