Near Death Experience: 'મૃત્યુ સમયે ખરેખર વ્યક્તિને શું દેખાય છે, કેવો અનુભવ રહે છે?'- વર્ષોથી વણઉકેલ્યા રહસ્ય પરથી વૈજ્ઞાનિકોએ પડદો ઉચક્યો

મૃત્યુ સમયે વ્યક્તિના હ્રદયના ધબકારા બંધ થઈ જાય તે પછી પણ તેનું મગજ એકટિવ રહે છે. જેમાં અલગ-અલગ પ્રકારની બ્રેઈન વેવ્સ એક્ટિવ થઈ જાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Feb 2026 10:09 PM (IST)Updated: Sun, 01 Feb 2026 10:09 PM (IST)
near-death-experience-explained-what-does-a-person-feel-before-death
HIGHLIGHTS
  • જીવનની છેલ્લી ક્ષણોમાં મગજમાં 'ગામા ઓસિલેશન' નામના તરંગો એકદમ વધી જાય છે

Near Death Experience: વિજ્ઞાન અને ટેક્નોલોજી ભલે ગમે તેટલી આગળ વધે, પરંતુ હજુ સુધી માનવજાત માટે મૃત્યુ એક વણઉકેલ્યું રહસ્ય રહ્યું છે. આપણામાંથી ઘણાં લોકોએ જોયું હશે કે, જ્યારે કોઈ વ્યક્તિનું મોત થઈ રહ્યું હોય, ત્યારે તેના શ્વાસોશ્વાસની ક્રિયામાં મોટો ફેરફાર જોવા મળે છે. હ્રદયના ધબકારા અચાનક ધીમા પડવા લાગે, હાથ-પગ એકદમ ઠંડા થઈ જાય અને આંખો અડધી ખુલ્લી રહેતી હોય.

આતો થઈ કોઈ બીજી વ્યક્તિ મોતની નજીક જઈ રહી હોય, ત્યારની વાત, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ આવી સ્થિતિમાં પહોંચી જાય, ત્યારે તેને અંદરથી કેવું લાગતું હોય. શું ખરેખર કોઈ સફેદ પ્રકાશ દેખાય છે, શું જૂની યાદો કોઈ ફિલ્મની પટ્ટીની માફક આંખો સામેથી પસાર થવા લાગે છે?

જો તમારી પાસે આ પ્રશ્નનો જવાબ ના હોય, તો જણાવી દઈએ કે, તાજેતરમાં જ કેટલાક વૈજ્ઞાનિકોએ એક સ્ટડીમાં આ રહસ્યો પરથી પડદો ઉચકવાનો પ્રયાસ કર્યો છે. તો ચાલો વિજ્ઞાનની દ્રષ્ટિએ જાણીએ કે, મૃત્યુ વખતે વ્યક્તિને અંદરથી કેવો અનુભવ થતો હશે?

જીવનની યાદગાર ક્ષણો ફ્લેશબેકની માફક ફરે
જ્યારે શરીર કામકાજ કરવાનું બંધ કરે છે, ત્યારે મગજનો કેટલોક ભાગ સક્રિય રહે છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે, મૃત્યુના ઠીક પહેલા 'ગામા ઓસિલેશન' નામના તરંગો મગજમાં વધી જાય છે. આ એવા તરંગો છે, જે આપણે સપના જોતી વખતે, ધ્યાન ધરતી વખતે અથવા કોઈ જૂની યાદો વાગોળવા દરમિયાન અનુભવાતી હોય છે.

એટલે કે મૃત્યુ નજીક આવે ત્યારે વ્યક્તિ પોતાના જીવનની યાદગાર ક્ષણો ફ્લેશબેકની જેમ જોઈ શકે છે. આવા અનુભવને નીયર ડેથ એક્સપીરિયન્સ (NDI) કહેવામાં આવે છે.

આ સંશોધન કાર્ડિયક એરેસ્ટના દર્દીઓના મગજની એક્ટિવિટી રેકોર્ડ કરવા દરમિયાન સામે આવ્યું છે. જે દર્શાવે છે કે, મૃત્યુ કોઈ ઘોર અંધારું નથી, પરંતુ એક ઉમદા સફર છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મોતના સમયે વ્યક્તિનું મગજ એક એવી અવસ્થામાં પહોંચી જાય છે, જેને લાઈફ રિકોલ કહેવામાં આવે છે.

મૃત્યુ સમયે હ્રદય ભલે બંધ થઈ જાય છતાં મગજ એક્ટિવ રહે
2023માં ફ્રન્ટિયર્સ ઈન એજિંગ ન્યૂરો સાયન્સમાં પબ્લિશ સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, મૃત્યુના ઠીક પહેલા મગજ બંધ હોવાના કારણે ઓવર એક્ટિવ થઈ જાય છે અને હ્રદય બંધ થયા બાદ પણ થોડા સમય સુધી એક્ટિવ રહે છે.

અમેરિકાની લુઈસવિલે યુનિવર્સિટીના ન્યૂરો સર્જન ડૉ. અજમલ જેમ્મારની આગેવાનીમાં સ્ટડી કરવામાં આવી હતી. જેમાં 87 વર્ષના દર્દીને વાઈ આવી હતી અને તેના માટે EEGનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ સમયે મગજની એક્ટિવિટીને રેકોર્ડ કરતાં સમયે દર્દીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું. જ્યારે તેના હ્રદયના ધબકારા બંધ થયાની 30 સેકન્ડ પહેલા અને પછીના સમયની તપાસ કરવામાં આવી, જેમાં ન્યૂરોલૉજિકલ ડિફરન્સ જોવા મળ્યો હતો.

સંશોધકોએ નોંધ્યું કે, કાર્ડિયાક એરેસ્ટ બાદ પણ લગભગ 30 સેકન્ડ સુધી મગજમાં હાઈલેવલ એક્ટિવિટી જોવા મળી હતી. એટલે કે મૃત્યુ સમયે વ્યક્તિનું મગજ અચાનક બંધ નથી થતું, પરંતુ તેમાં અલગ-અલગ પ્રકારની બ્રેન વેવ્સ એક્ટિવ થઈ જાય છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં ઓસ્સિલેશન્સ કહેવામાં આવે છે. જેમાં ગામા, થીટા, આલ્ફા અને બ્રીટા બ્રેન વેવ્સ પણ સામેલ છે. જે મોટાભાગે સપના, યાદો અને વિચારવા-સમજવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય છે.

આ અંગે વિગતો આપતા ડો અજમલનું કહેવું છે કે, આપણું મગજ સંભવતઃ આપણને મૃત્યુ માટે તૈયાર કરે છે. અંતિમ સમયમાં આપણા જીવનની યાદગાર ક્ષણોને પુનઃ જીવવાની તક આપે છે. જેનો મતલબ એવો હોઈ શકે છે કે, મૃત્યુ પહેલા મગજ જિંદગીની અગત્યની ઘટનાઓ અને યાદોને ફ્લેશબેકની માફક અનુભવ કરાવશે છે.