Loading...

Weather Today: ગાઢ ધુમ્મસ, વરસાદ અને હિમવર્ષા… ઉત્તર ભારતમાં ઠંડીથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

દિલ્હી-NCR થી લઈને પહાડી વિસ્તારો સુધી શીતલહેર, ગાઢ ધુમ્મસ અને બર્ફીલા પવનોએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Thu 15 Jan 2026 08:02 AM (IST)Updated: Thu 15 Jan 2026 08:02 AM (IST)
weather-update-15-january-imd-winter-forecast-delhi-ncr-to-up-bihar-haryana-punjab-kashmir-himachal-rajasthan-674244

Weather IMD Forecast 15 January: ઉત્તર ભારતમાં ઠંડીએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. મેદાની વિસ્તારોથી લઈને પહાડો સુધી શીતલહેર, ગાઢ ધુમ્મસ અને બર્ફીલા પવનોએ જનજીવનને જકડી લીધું છે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી પાંચ દિવસમાં ઠંડી વધુ તીવ્ર બનશે. વિભાગના જણાવ્યા મુજબ હિમાલય તરફથી આવતા તીવ્ર પશ્ચિમી પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી રહ્યા છે. વિભાગે ચેતવણી આપી છે કે વૃદ્ધો અને બાળકોએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

દિલ્હી-NCR માં તાપમાનનો પારો ગગડ્યો
દિલ્હી-NCR માં તડકો નીકળવા છતાં કાતિલ ઠંડી યથાવત છે. બુધવારે સવારે 8:30 વાગ્યે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નોઈડામાં પારો 2.0 ડિગ્રી, ગાઝિયાબાદમાં 4.8 ડિગ્રી, ગુરુગ્રામમાં 0.8 ડિગ્રી અને ફરીદાબાદમાં 4.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહ્યું હતું, જેના કારણે રોડ અને રેલવે વ્યવહારને અસર પહોંચી હતી.

કયા રાજ્યોમાં એલર્ટ અને ક્યાં વરસાદ-હિમવર્ષા?
હવામાન વિભાગે 10 થી વધુ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને શીતલહેરની ચેતવણી જારી કરી છે. 17 થી 20 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ થઈ શકે છે. પંજાબના ભટિંડામાં 3.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડી સ્થિતિ રહી હતી, જ્યારે હરિયાણાના નારનૌલમાં એક ડિગ્રી અને ભિવાનીમાં 1.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

પહાડી વિસ્તારોમાં થીજાવી દેતી ઠંડી
કાશ્મીર ખીણથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 'ચિલ્લઈ કલાં' વચ્ચે શ્રીનગરમાં દાલ સરોવરનો મોટો ભાગ થીજી ગયો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 5.2 ડિગ્રી રહ્યું, જ્યારે કુપવાડામાં માઇનસ 6.2 ડિગ્રી નોંધાયું હતું. લદ્દાખના દ્રાસમાં પારો માઇનસ 21.7 ડિગ્રી સુધી ગગડી ગયો છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે હાલ ઠંડીથી રાહત મળવાના આસાર ઓછા છે અને રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.