TMC MPs Join Nationalist Citizens Party: પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં સર્જાયેલા આંતરિક સંકટ વચ્ચે લોકસભામાં પક્ષને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના 20 જેટલા બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરીને એક નવો રાજકીય વળાંક આપ્યો છે. આ સાંસદોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે TMC છોડીને 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી'માં વિલીન થઈ રહ્યા છે અને આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સાથે મળીને કામ કરશે.
શું છે સમગ્ર મામલો?
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે આ ચોંકાવનારી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે- અમે કુલ 20 સાંસદોએ સ્પીકરને મળીને પત્ર સોંપ્યો છે. આ સંખ્યા અમારી કુલ સંખ્યાના બે-તૃતીયાંશ (2/3) કરતા પણ વધુ છે. અમે કાયદાકીય મુશ્કેલીઓથી બચવા માટે 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી'માં વિલીન થવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સ્પીકરને વિનંતી કરી છે કે સંસદમાં અમારા બેસવાની વ્યવસ્થા અલગ કરવામાં આવે. અમે હવે દેશના વિકાસ માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ NDA સાથે કામ કરવા માટે કટિબદ્ધ છીએ.
#WATCH | Delhi: After meeting Lok Sabha Speaker Om Birla, Rebel TMC MP Kakoli Ghosh Dastidar says, "We, the twenty MPs elected from the AITC, met the Speaker and submitted a letter requesting to sit separately; these twenty MPs constitute more than two-thirds of our total… https://t.co/9rbLSAmmwQ pic.twitter.com/XIOlUMGSsY
TMC હાઈકમાન્ડની વળતી કાર્યવાહી
આ ઘટનાક્રમ સામે આવતા જ TMC મોરચે સક્રિય થઈ ગયું છે. પાર્ટીના દિગ્ગજ નેતા અને સંસદીય દળના વડા અભિષેક બેનર્જીના નિર્દેશ પર કીર્તિ આઝાદ અને સાગરિકા ઘોષે લોકસભા સ્પીકર ઓમ બિરલાને એક પત્ર સુપરત કર્યો છે.
પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પત્રમાં એવી દલીલ કરવામાં આવી છે કે:
- કોઈપણ રાજકીય પક્ષ સર્વોપરી છે, ન કે ધારાસભ્ય દળ.
- કોઈપણ સભ્ય કે સમૂહ મનસ્વી રીતે પક્ષની અંદર સમાંતર જૂથ બનાવી શકતું નથી.
- કોર્ટના અગાઉના આદેશોનો સંદર્ભ આપતા જણાવાયું છે કે, રાજકીય પક્ષના આંતરિક ભાગલાને કાયદો માન્યતા આપતો નથી. આવા કૃત્યોને પક્ષવિરોધી ગણીને સદસ્યતા રદ (અયોગ્યતા) કરવાને પાત્ર ગણવા જોઈએ.
રાજકીય ગણિત અને અસરો
લોકસભામાં હાલ TMCના કુલ 28 સાંસદો છે. 20 સાંસદોના આ બળવાને કારણે સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલા જ વિરોધ પક્ષોની તાકાત નોંધપાત્ર રીતે ઘટી જશે. સૂત્રોનું માનીએ તો, આ 20 સાંસદોએ બંધારણની દસમી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળની જોગવાઈઓનો લાભ લેવા માટે જ 2/3 બહુમતી સાથે વિલીનીકરણનો માર્ગ પસંદ કર્યો છે, જેથી તેમની સદસ્યતા સામે કોઈ જોખમ ન રહે.

આ ઘટનાથી માત્ર બંગાળના રાજકારણમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ વિપક્ષી ગઠબંધન (INDIA બ્લોક)ને મોટો આંચકો લાગ્યો છે. હવે જોવાનું એ રહેશે કે લોકસભા સ્પીકર આ મામલે કાયદાકીય પાસાઓને ધ્યાને રાખીને શું અંતિમ નિર્ણય લે છે.
