Raghav Chadha Video: દિલ્હી અને પંજાબની સત્તાધારી આમ આદમી પાર્ટીમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદ પરથી હટાવવામાં આવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ પક્ષ વિરુદ્ધ બળવાખોર તેવર અપનાવ્યા છે. રવિવારે સવારે ચઢ્ઢાએ પોતાના સત્તાવાર 'X' એકાઉન્ટ પર 2 મિનિટ 40 સેકન્ડનો એક વિડિયો સંદેશ પોસ્ટ કર્યો છે, જેણે રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે.
ફિલ્મ હજુ આવવાની બાકી છે
પોતાના વિડિયોમાં રાઘવ ચઢ્ઢાએ અત્યંત આક્રમક અંદાજમાં જણાવ્યું કે, "આપમાં મારા જે સાથીદારોએ મને બદનામ કરવા માટે વીડિયો રિલીઝ કર્યા છે, તેમને હું કહેવા માંગુ છું કે આ તો ફક્ત એક નાનું ટ્રેલર છે, અસલી ફિલ્મ હજુ આવવાની બાકી છે." તેમણે આરોપ લગાવ્યો કે પક્ષના નેતાઓ દ્વારા તેમની વફાદારી પર સવાલ ઉઠાવવા માટે એક "સંગઠિત હુમલો" કરવામાં આવી રહ્યો છે.
વરિષ્ઠ નેતાઓ પર વળતો પ્રહાર
સંજય સિંહ, આતિશી અને સૌરભ ભારદ્વાજ જેવા વરિષ્ઠ નેતાઓ દ્વારા લગાવવામાં આવેલા "કાયર" હોવાના આરોપો પર ચઢ્ઢાએ મન મૂકીને પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, "મારા વિરુદ્ધ આરોપો લગાવનારા દરેક લોકો એક જ પ્રકારની ભાષા બોલી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે આ બધું પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું. હું ઘાયલ થયો છું, અને જ્યારે કોઈ ઘાયલ હોય ત્યારે તે વધુ ઘાતક બની જાય છે. મારા વિરુદ્ધ ફેલાવવામાં આવેલું દરેક જૂઠાણું હું ખુલ્લું પાડીશ."
સંસદમાં કામગીરી અંગેના આરોપોનું ખંડન
ચઢ્ઢા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ સંસદમાં પંજાબના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે અને વિપક્ષના વોકઆઉટમાં જોડાયા નહોતા. આ અંગે સફાઈ આપતા તેમણે જણાવ્યું કે, "સંસદની દરેક કાર્યવાહી રેકોર્ડ થાય છે. જો CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે તો ખબર પડી જશે કે કોણ સાચું છે અને કોણ ખોટું. હું સંસદમાં બૂમો પાડવા કે માઈક્રોફોન તોડવા નથી ગયો, હું જનતાના મુદ્દાઓ ઉઠાવવા ગયો હતો. શું સામાન્ય માણસના પ્રશ્નો પૂછવા એ ગુનો છે?"
વધુમાં, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી ન કરવાના મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યસભાના ૧૦ માંથી ૬-૭ સાંસદોએ પોતાની મરજીથી સહી કરી નથી, તો નિશાન ફક્ત તેમને જ કેમ બનાવવામાં આવી રહ્યા છે?
