Loading...

Raghav Chadha: રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલની સેનાને જડબાતોડ જવાબ; "હું ઘાયલ છું એટલે જ પ્રબળ છું, સમય આવ્યે દરેકનો હિસાબ થશે"

રાઘવ ચઢ્ઢાએ પોતાના વિડિયોની શરૂઆતમાં જ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "ગઈકાલ (શુક્રવાર) થી મારી વિરુદ્ધ એક સુનિયોજિત અને લખાણબદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 04 Apr 2026 04:23 PM (IST)Updated: Sat 04 Apr 2026 04:23 PM (IST)
raghav-chadha-responds-to-aap-allegations-in-a-new-video-721598

Raghav Chadha: આમ આદમી પાર્ટીના 'પોસ્ટર બોય' ગણાતા રાઘવ ચઢ્ઢા અને પક્ષના મોવડીમંડળ વચ્ચેના સંબંધો હવે ઈતિહાસ બની ગયા હોય તેમ જણાય છે. રાજ્યસભામાં ઉપનેતા પદેથી હટાવ્યા બાદ પક્ષના નેતાઓએ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ આક્ષેપોની જે ઝડી વર્ષાવી હતી, તેનો શનિવારે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો જાહેર કરીને આકરો જવાબ આપ્યો છે. ચઢ્ઢાએ પક્ષના આરોપોને "લેખિત ઝુંબેશ" ગણાવી ફગાવી દીધા છે.

"એક જ જૂઠાણું સો વાર બોલવાથી સત્ય નથી બની જતું"

રાઘવ ચઢ્ઢાએ પોતાના વિડિયોની શરૂઆતમાં જ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "ગઈકાલ (શુક્રવાર) થી મારી વિરુદ્ધ એક સુનિયોજિત અને લખાણબદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શરૂઆતમાં મેં વિચાર્યું કે હું આનો જવાબ નહીં આપું, પરંતુ મને સમજાયું કે જો એક જ જૂઠાણું વારંવાર બોલવામાં આવે તો લોકો તેને સાચું માની લે છે. એટલે જ આજે હું સત્ય સામે લાવી રહ્યો છું." તેમણે ઉમેર્યું કે તે કોઈ સંયોગ નથી કે તમામ AAP નેતાઓ એક જ પ્રકારની ભાષામાં તેમના પર હુમલો કરી રહ્યા છે.

ત્રણ મુખ્ય આરોપો અને રાઘવની સ્પષ્ટતા

રાઘવ ચઢ્ઢાએ તેમની સામે પક્ષ દ્વારા મૂકવામાં આવેલા ત્રણ મુખ્ય આરોપો પર પોઈન્ટ-ટુ-પોઈન્ટ જવાબ આપ્યા હતા:

1) વિપક્ષ સાથે એકતામાં નિષ્ફળતા:

પક્ષનો આરોપ હતો કે જ્યારે વિપક્ષ વોકઆઉટ કરે છે ત્યારે રાઘવ તેમની સાથે જોડાતા નથી. આનો જવાબ આપતા તેમણે કહ્યું, "આ તદ્દન ખોટું છે. સંસદમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, કોઈ પણ ફૂટેજ ચેક કરી શકે છે કે હું વિપક્ષી એકતામાં હંમેશા સાથે રહ્યો છું."

2) CEC ને હટાવવાના પ્રસ્તાવ પર સહીનો ઈનકાર:

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર ન કરવાના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે, "આ પ્રસ્તાવ માટે મારો ક્યારેય સંપર્ક કરવામાં આવ્યો નથી. નવાઈની વાત એ છે કે પક્ષના અન્ય 6 થી 7 નેતાઓએ પણ સહી કરી નથી, તો માત્ર મને જ કેમ નિશાન બનાવવામાં આવે છે?"

3) ભાજપથી ડરી જવાનો આક્ષેપ:

પક્ષે આક્ષેપ કર્યો હતો કે રાઘવ હવે ડરી ગયા છે અને માત્ર નાના મુદ્દા ઉઠાવે છે. આના પર આકરો પ્રહાર કરતા તેમણે કહ્યું, "હું સંસદમાં માત્ર ચીસો પાડવા નથી આવ્યો. હું બેરોજગારી, મોંઘવારી અને સામાન્ય કરદાતાઓના પ્રશ્નો ઉઠાવવા આવ્યો છું."

આંતરિક જૂથવાદ અને વફાદારી પર સવાલ

નોંધનીય છે કે સંજય સિંહ, સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેના જેવા દિગ્ગજોએ રાઘવને "ભાજપના એજન્ટ" તરીકે ચિતરવાનો પ્રયાસ કર્યો છે. મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ઢાંડાએ તો તેમની વફાદારી પર જ શંકા વ્યક્ત કરી છે. આ જોતા એવું લાગે છે કે રાઘવ ચઢ્ઢા અત્યારે પક્ષમાં રાજકીય ચક્રવ્યૂહમાં ફસાયા છે. ચઢ્ઢાએ વિડિયોના અંતે એક શાયરના અંદાજમાં ચેતવણી આપી હતી કે, "હું અત્યારે ઘાયલ છું, તેથી જ વધુ મજબૂત અને પ્રબળ છું. યોગ્ય સમય આવવા દો, દરેક આરોપનો હિસાબ ચુકતે કરવામાં આવશે."