Maruti Temple Roof Collapse:મહારાષ્ટ્રના પદભણી જિલ્લામાં આવેલા મારુતિ મંદિરમાં એક દુઃખદ ઘટના સર્જાઈ હતી. અહીં મારુતિ મંદિર પરિસરમાં સભા મંડપની છત તૂટી પડી હતી. આ ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે ઓછામાં ઓછા 5 શ્રદ્ધાળુના મોત થયા છે અને 30થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. છત નીચે કાટમાળમાં 30-40 શ્રદ્ધાળુ ફસાયેલા હોવાની માહિતી પણ સામે આવી છે.
પોલીસ તથા રાહત બચાવ ટીમ
પોલીસ તથા રાહત બચાવ ટીમ આ ઘટનાની જાણ થતા જ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી ઝડપભેર હાથ ધરવામાં આવી છે. આ સાથે ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
સભા મંડપનો સ્લેબ બપોરે આશરે 3.30 વાગે તૂટી પડ્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આજે શનિવારે બપોરે મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના યથવાડી ગામમાં હનુમાન મંદિરનો એક સ્લેબ તૂટી પડ્યો હતો. અને અત્યાર સુધીમાં 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું હતું કે મંદિરનો સભા મંડપનો સ્લેબ બપોરે આશરે 3.30 વાગે તૂટી પડ્યો છે. પોલીસ અને જિલ્લા વહિવટીતંત્ર બચાવ અભિયાન ચલાવી રહેલ છે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એકત્રિત થયા
મળતી માહિતી પ્રમાણે મંદિર પરિસરમાં દર્શન, કીર્તન અને મહાપ્રસાદ માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ એકત્રિત થયા હતા. આ દરમિયાન મુખ્ય મંદિરની સામે સભાગારનો પિલ્લર ઓચિંતા જ તૂટી પડ્યો હતો, જેની છતનો નિર્માણાધીન ભાગ તૂટી ગયો હતો. તેને લીધે મંદિરમાં ભારે અફરા તફરી જોવા મળી હતી.
