Indore Millionaire Beggar: ઈન્દોરના સરાફા બજારની ગલીઓમાં વર્ષોથી ભીખ માંગતા દેખાતા એક વૃદ્ધની સચ્ચાઈએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલા ભિક્ષાવૃત્તિ નાબૂદી અભિયાન દરમિયાન આ વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, જેની ઓળખ માંગીલાલ તરીકે થઈ છે. જોકે તે રસ્તા પર ભીખ માંગવાનું કામ કરે છે, પરંતુ ખરેખરમાં તે કરોડોની સંપત્તિનો માલિક છે.
અઢળક સંપત્તિ અને ડ્રાઈવર
તપાસમાં સામે આવ્યું છે કે માંગીલાલના નામે ત્રણ પાકા મકાન અને ત્રણ ઓટો રિક્ષા છે. સૌથી નવાઈની વાત એ છે કે તેની પાસે એક ડિઝાયર કાર પણ છે અને તે કાર ચલાવવા માટે તેણે ડ્રાઈવર પણ રાખેલો છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે માંગીલાલ રોજના 500 થી 1000 રૂપિયાની કમાણી કરે છે અને આ તમામ સંપત્તિ તેણે ભીખના પૈસાથી જ બનાવી છે.
ભીખ અને વ્યાજનો વેપાર
માંગીલાલની કામ કરવાની પદ્ધતિ પણ હોશિયારી ભરેલી હતી. તે લાકડાની લપસણી ગાડી, પીઠ પર બેગ અને હાથમાં જૂતા લઈને લોકો સામે લાચાર બનીને ઉભો રહેતો, જેથી સહાનુભૂતિ મેળવીને પૈસા મેળવી શકે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે ભીખમાંથી કમાયેલા પૈસા તે સરાફાના વેપારીઓને વ્યાજે આપતો હતો. તે વેપારીઓ પાસેથી દૈનિક અથવા સાપ્તાહિક ધોરણે વ્યાજ લેતો હતો અને વ્યાજ વસૂલવાના બહાને જ તે રોજ બજારમાં આવતો હતો.
નોડલ ઓફિસર દિનેશ મિશ્રાના જણાવ્યા અનુસાર ભગત સિંહ નગરમાં માંગીલાલનું 16x45 ફૂટનું ત્રણ માળનું મકાન છે. આ ઉપરાંત શિવનગરમાં 600 ચોરસ ફૂટનું ઘર અને અલવાસામાં 10x20 ફૂટનું બીએચકે (BHK) મકાન છે. અલવાસાવાળું મકાન તેને વિકલાંગતાના આધારે રેડ ક્રોસ સોસાયટી તરફથી મળ્યું હતું. તે પોતાના ત્રણેય ઓટો ભાડે ફેરવે છે અને હાલમાં તે અલવાસામાં માતા-પિતા સાથે રહે છે.
પ્રશાસનની કાર્યવાહી
જિલ્લા કાર્યક્રમ અધિકારી રજનીશ સિંહાના જણાવ્યા મુજબ ઈન્દોરમાં ફેબ્રુઆરી 2024 થી ભિખારીઓ માટે સર્વે અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 6500 ભિખારીઓ સામે આવ્યા છે. તેમાંથી 4500 લોકોનું કાઉન્સેલિંગ કરીને તેમને ભીખ માંગવાનું કામ છોડાવવામાં આવ્યું છે. તેમજ 1600 ભિખારીઓને ઉજ્જૈનના સેવાધામ આશ્રમમાં મોકલવામાં આવ્યા છે અને 172 બાળકોને શાળામાં દાખલ કરવામાં આવ્યા છે.
