Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની જ્વાળાઓ હવે વૈશ્વિક વેપારના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ સુધી પહોંચી છે. આ ગંભીર પરિસ્થિતિ પર ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN) માં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. ભારતે વાણિજ્યિક જહાજો પર વધી રહેલા જોખમો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા તાત્કાલિક ધોરણે સુરક્ષિત નેવિગેશન પુનઃસ્થાપિત કરવા અને તમામ પક્ષોને સંયમ રાખવા અપીલ કરી છે.
ભારતના આર્થિક હિતો માટે જોખમ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'વીટો ઇનિશિયેટિવ' હેઠળ આયોજિત ચર્ચા દરમિયાન ભારતના કાયમી પ્રતિનિધિ હર્ષ પી. એ ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષા એ માત્ર વૈશ્વિક વેપારનો વિષય નથી, પરંતુ તે ભારતના ઊર્જા અને આર્થિક હિતો સાથે સીધો જોડાયેલો મુદ્દો છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વના ઓઇલ પરિવહન માટેનો જીવનદોરી સમાન માર્ગ છે. ભારતની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આ જળમાર્ગ મારફતે પૂરો થાય છે. હર્ષ પી. એ નોંધ્યું હતું કે આ ક્ષેત્રમાં જહાજોને નિશાન બનાવવાની તાજેતરની ઘટનાઓ ભારત માટે ચિંતાનો વિષય છે અને ભારત આવી હિંસક ઘટનાઓની સખત નિંદા કરે છે.
નાગરિકો અને નાવિકોની સુરક્ષા સર્વોપરી
ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ કર્યું કે વાણિજ્યિક જહાજો પરના હુમલા કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. નિર્દોષ નાવિકોના જીવનને જોખમમાં મૂકવું એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉઘાડું ઉલ્લંઘન છે. ભારતે અત્યંત ખેદ સાથે નોંધ્યું કે આ સંઘર્ષ દરમિયાન કેટલાક ભારતીય નાવિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે સાથે મળીને નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ, જેથી વૈશ્વિક ઉર્જા સુરક્ષા ખોરવાય નહીં.
રાજદ્વારી ઉકેલ અને શાંતિની અપીલ
28 ફેબ્રુઆરી, 2026 ના રોજ મધ્ય પૂર્વમાં શરૂ થયેલા આ સંઘર્ષ બાદ ભારત સતત શાંતિનો પક્ષધર રહ્યું છે. ભારતે ફરી એકવાર સંવાદ અને રાજદ્વારી (Diplomacy) માર્ગ અપનાવવા પર ભાર મૂક્યો છે. ભારતના મતે, કોઈપણ રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર એ કોઈપણ કાયમી ઉકેલ માટેનો પાયાનો સિદ્ધાંત હોવો જોઈએ.
