Himachal Pradesh News: ચોમાસાની શરૂઆત સાથે જ હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh Heavy Rain) કુદરતે તબાહી મચાવી છે. ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી રાજ્યને લગભગ 407.02 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અત્યાર સુધી 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. 34 લોકો ગુમ થયાના અહેવાલ છે. હજુ બે દિવસ ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
હિમાચલમાં ભારે તબાહી મચી
હિમાચલમાં વિવિધ વાદળ ફાટવાથી ભૂસ્ખલનને કારણે રાજ્યમાં લગભગ 245 રસ્તાઓ પ્રભાવિત થયા છે. 918 વીજળી ટ્રાન્સફોર્મર અને 683 પાણી પુરવઠા યોજનાઓને નુકસાન થયું છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 370 લોકોને બચાવ્યા છે. વાદળ ફાટવાની ઘટનાઓમાં લોકોના ઘરોને નુકસાન થયું છે, તેમના સુઘી પહોંચવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે.
આગામી 24 કલાક પૂરની ચેતવણી
રાજ્યના પ્રભાવિત વિસ્તારોમાં NDRF-SDRF અને વહીવટી ટીમો રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. આગામી 24 કલાક દરમિયાન શિમલા, કુલ્લુ, ચંબા, મંડી અને કાંગડા જિલ્લામાં અચાનક પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખીને ચેતવણી જારી કરવામાં આવી છે. આગામી બે દિવસ યલો એલર્ટ જારી કરાયું છે. 8 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની પણ શક્યતા છે
