Noida News: ગ્રેટર નોઈડામાં એક દુર્ઘટનામાં સોફ્ટવેર એન્જિનિયર યુવરાજ મહેતાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. 27 વર્ષીય યુવરાજે પોતાનો જીવ બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા અને બચાવ ટીમ ત્યાં પહોંચી પણ ગઈ હોવા છતાં તેને બચાવી શકી ન હતી. યુવરાજ ગુરુગ્રામની એક કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતો અને શુક્રવારે મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.
50 મીટર ઊંડા ખાડામાં કાર સહિત ખાબક્યો યુવરાજ
પાણીથી ભરેલા 50 મીટર ઊંડા ખાડામાં કાર પડ્યા બાદ યુવરાજે હિંમત દાખવી અને ગમે તેમ કરીને બચવા માટે કારની છત પર પણ ચઢવામાં સફળ રહ્યો હતો. ડૂબતા પહેલા લગભગ 90 મિનિટ સુધી એટલે કે 3 કલાક સુધી કારની છત પર ઉભા રહીને જલ્દી બચાવવા માટે બૂમો પાડતા રહ્યા. 3 વિભાગોના લગભગ 80 કર્મચારીઓ તેને ઘટનાસ્થળે બચાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેનો જીવ બચાવી શક્યા ન હતા.
રાત્રે 12:05 વાગ્યે કાર બેઝમેન્ટમાં પડી હતી. 12:50 વાગ્યે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 1:15 વાગ્યે SDRF ની ટીમ પહોંચી હતી, પરંતુ 1:45 વાગ્યે કાર સાથે યુવરાજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંતે સવારે 4:30 વાગ્યે તેમના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
ગાઢ ધુમ્મસ અને બેદરકારીને કારણે જીવ ગુમાવ્યો
ગાઢ ધુમ્મસ હોવાને કારણે યુવરાજ રસ્તો ભટકી ગયો હતો અને કાર નાળાની દીવાલ તોડીને પાણી ભરેલા પ્લોટમાં ખાબકી હતી. અહીં બિલ્ડરે બેઝમેન્ટ માટે ખોદકામ કર્યું હતું, જેમાં વરસાદી પાણી ભરેલું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ ખાડાની બહાર કોઈ બેરિકેડ કે ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા ન હતા.
અકસ્માતનો ભોગ બન્યા બાદ યુવરાજે 12:25 વાગ્યે પિતાને આ દુર્ઘટનાની જાણ કરી હતી. યુવરાજે તેમના પિતાને ફોન કરીને મદદ માંગી હતી. તેમના પિતા રાજકુમાર મહેતાએ જણાવ્યું કે મારા પુત્રએ મને ફોન કર્યો અને કહ્યું - પાપા હું ફસાઈ ગયો છું, કાર નાળામાં પડી ગઈ છે.
બચાવ કામગીરીમાં નિષ્ફળતા
પોલીસ, ફાયર બ્રિગેડ, SDRF અને NDRF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ બચાવ કાર્ય સફળ રહ્યું નહીં. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ યુવરાજને બચાવવા માટે લાંબા દોરડાઓ પણ ફેંકવામાં આવ્યા હતા પરંતુ તે ટુંકા પડ્યા હતા અને ક્રેન કે સીડીની મદદથી પણ તેમના સુધી પહોંચી શકાયું ન હતું. એવો પણ આરોપ છે કે પાણી ઠંડુ હોવાને કારણે કોઈ પણ બચાવકર્મીએ પાણીમાં ઉતરવાની હિંમત કરી ન હતી.
