પીએમ રોજગાર યોજના 2026: શું તમારા ખાતામાં ₹15,000 આવ્યા? પીએમ મોદી આજે ટ્રાન્સફર કરશે રોજગાર યોજનાની રકમ

PM Rojgar Yojana 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જૂને PM-VBRY હેઠળ 15 લાખ લાભાર્થીઓના ખાતામાં ₹2400 કરોડની સહાય જમા કરશે. પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને ₹15000 નો લાભ મળશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 19 Jun 2026 09:04 AM (IST)Updated: Fri, 19 Jun 2026 09:04 AM (IST)
good-news-pm-modi-rojgar-yojana-15000-rupees-bank-account-status-check

PM Rojgar Yojana 2026: જો તમે તાજેતરમાં પ્રથમ વખત નોકરીની શરૂઆત કરી છે અથવા કોઈ નાના-મધ્યમ ઉદ્યોગ (MSME) ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 19 જૂન 2026 ના રોજ 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' (PM-VBRY) હેઠળ દેશના 15 લાખ લાભાર્થીઓના ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે.

શું છે આજનો મુખ્ય કાર્યક્રમ?

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ આપેલી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી નવી દિલ્હીમાં યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ₹2,400 કરોડની સહાય જમા કરશે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન યોજનાના લાભાર્થીઓ, નવા કર્મચારીઓ અને નોકરીદાતાઓ સાથે સીધો સંવાદ પણ કરવાના છે.

યોજનામાં કોને અને કેટલો આર્થિક લાભ મળશે?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રોજગારીને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંનેને આર્થિક સહાય આપવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નોકરીઓને વેગ આપવા માટે હવે આ યોજનાના લાભો 4 વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.

પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનોને સરકાર તરફથી ₹15,000 સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. આ સાથે જ નવા કર્મચારીઓની ભરતી કરનારા એકમો કે નોકરીદાતાઓને દરેક નવા કર્મચારી દીઠ દર મહિને ₹3,000 સુધીની સહાય મળશે.

કેટલા રોજગાર સર્જનનું લક્ષ્ય છે?

શ્રમ મંત્રાલયના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે PM-VBRY માટે કુલ ₹99,446 કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે. સરકારનો લક્ષ્યાંક આગામી 2 વર્ષમાં દેશભરમાં 3.5 કરોડ નવી રોજગાર તકો ઊભી કરવાનો છે.

અત્યાર સુધી કેટલા યુવાનો અને ઉદ્યોગોને ફાયદો થયો છે?

ઓગસ્ટ 2025 થી અત્યાર સુધીમાં 63 લાખથી વધુ પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાનો આ યોજનાની મદદથી સંગઠિત કાર્યબળ (Formal Workforce) નો હિસ્સો બન્યા છે, જેમાં આશરે 30 ટકા મહિલાઓ છે.

આ યોજના માત્ર રોજગાર જ નથી વધારી રહી પરંતુ નાના ઉદ્યોગોનો પાયો પણ મજબૂત કરી રહી છે. યોજનાના 'પાર્ટ-બી' હેઠળ લાભ મેળવનારા 80 ટકાથી વધુ ઉદ્યોગો એવા છે, જેમાં 25 થી ઓછા કર્મચારીઓ કામ કરે છે.