Government Issues Clarification: ઈરાનથી ભારત આવી રહેલા ક્રુડ ઓઈલની ખેપને ચીન તરફ વાળવામાં આવી તેવા અહેવાલ અંગે ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે. સરકારે આ અહેવાલને સંપૂર્ણ ખોટા અને ગેરમાર્ગે દોરતા ગણાવ્યા છે. આ સાથે સરકારે કહ્યુ છે કે આયાતને લગતા પેમેન્ટ એટલે કે ચુકવણી અંગે કોઈ જ સમસ્યા નથી.
સરકારે કહ્યું છે કે કેટલાક મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પેમેન્ટ સંબંધિત સમસ્યાને લીધે ઈરાની ક્રુડ ઓઈલની ખેપ ભારતથી ચીન મોકલી આપવામાં આવી હતી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આ અહેવાલને નકારીને કહ્યું છે કે આ માહિતી સાચી નથી. મંત્રાલયનું કહેવું છે કે ભારત 40થી વધારે દેશમાંથી ક્રુડ ઓઈલની આયાત કરી રહ્યું છે અને ઓઈલ કંપનીઓને તેમની જરૂરિયાત પ્રમાણે સપ્લાઈયરની પસંદગી કરવાની સંપૂર્ણપણે છૂટ છે.
જહાજના રુટને બદલવા અંગે કરવામાં આવી સ્પષ્ટતા
અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, 'પિંગ શુન' નામનું આ જહાજ ગુજરાતના વાડિયાનર તરફ આવવાનું હતું, પણ બાદમાં તેણો પોતાની દિશા બદલી દીધી અને ચીનના ડોંગયિંગ તરફ વળી ગયું. આ અંગે સરકારે કહ્યું કે ઓઈલ બિઝનેસમાં માર્ગ બદલવો તે સામાન્ય બાબત અને પ્રક્રિયા છે. ઘણી વખત તો સમુદ્રમાં જ વ્યાપારિક અને સંચાલકીય સંબંધોને લીધે લક્ષિત સ્થળ બદલાઈ જાય છે.
સરકારે એમ પણ કહ્યું કે મધ્ય પૂર્વમાં જે તણાવની સ્થિતિ પ્રવર્તિ રહી છે તેમ છતાં ભારત આગામી મહિનાઓમાં ક્રુડ ઓઈલની જરૂરિયાત અગાઉથી જ પૂરી કરી લીધી છે. મંત્રાલયે ખાતરી આપી છે કે દેશમાં ક્રુડ ઓઈલના પુરવઠાને કોઈ જ અસર થશે નહીં અને અત્યારે જરૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
LPG સપ્લાઈ અંગે સ્પષ્ટીકરણ
LPG ને લઈ જે અહેવાલ આવ્યા છે તેને સરકાર તરફથી નકારી દેવામાં આવ્યા છે. સરાકરે કહ્યું કે 'સી બર્ડ' નામનું જહાજ 2 એપ્રિલના રોજ મંગલુરુ પહોંચી ચુક્યુ છે. આ જહાજમાં આશરે 44 હજાર મેટ્રિક ટન ઈરાની LPG ભરેલો હતો,જેને અત્યારે ખાલી કરવામાં આવી રહ્યો છે.
