Indian Railways Rules For Passengers: ભારતીય રેલવેમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. મુસાફરોની રાત્રિની મુસાફરી આરામદાયક અને શાંતિપૂર્ણ રહે તે માટે રેલવે બોર્ડ દ્વારા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમે પણ વારંવાર ટ્રેનમાં મુસાફરી કરો છો, તો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી લાગુ પડતા આ નિયમો જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે.
TTE ટિકિટ ચેક નહીં કરી શકે
રેલવેના નિયમ મુજબ, મુસાફરોની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે TTE રાત્રે 10:00 થી સવારે 6:00 વાગ્યા સુધી ટિકિટ ચેક કરી શકતા નથી. જોકે, આ નિયમ એવા મુસાફરોને લાગુ પડતો નથી જેઓ રાત્રે 10 વાગ્યા પછી જ ટ્રેનમાં ચઢ્યા હોય.
મિડલ બર્થ (Middle Birth) નો ઉપયોગ
જો તમારી પાસે મિડલ બર્થ છે, તો તમે તેને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ ખોલી શકો છો. આ સમય દરમિયાન લોઅર બર્થ પર બેઠેલા મુસાફરો તમને રોકી શકતા નથી. તેવી જ રીતે, સવારે 6 વાગ્યા પછી મિડલ બર્થ નીચે કરવી પડે છે જેથી અન્ય મુસાફરો નીચે બેસી શકે.
મોટેથી વાત કરવા કે ગીતો વગાડવા પર પ્રતિબંધ
ટ્રેનમાં રાત્રિ દરમિયાન શિસ્ત જાળવવી અનિવાર્ય છે. કોઈપણ મુસાફર મોબાઈલ પર લાઉડસ્પીકર પર ગીતો વગાડી શકતો નથી કે ગ્રુપમાં બેસીને મોટેથી વાતો કરી શકતો નથી. જો કોઈ મુસાફર અન્યની શાંતિમાં ભંગ પાડે, તો તેની સામે રેલવે પોલીસ દ્વારા કાર્યવાહી થઈ શકે છે.
લાઈટ્સ બંધ રાખવાનો નિયમ
રાત્રે 10 વાગ્યા પછી કોચની તમામ નાઈટ લાઈટ્સ સિવાયની મુખ્ય લાઈટો બંધ કરી દેવી પડે છે, જેથી મુસાફરો આરામથી સૂઈ શકે. જો કોઈને વાંચવા માટે લાઈટની જરૂર હોય, તો તેઓ માત્ર પોતાની બર્થની રીડિંગ લાઈટ નો જ ઉપયોગ કરી શકે છે.
ખાણી-પીણીની સેવાઓ
સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યા પછી ટ્રેનમાં કેટરિંગ સ્ટાફ દ્વારા ભોજન પીરસવાનું બંધ કરી દેવામાં આવે છે. જો કે, તમે ઈ-કેટરિંગ દ્વારા અગાઉથી ઓર્ડર કરેલું ભોજન મેળવી શકો છો, પરંતુ રાત્રિના સમયે ડબ્બામાં બૂમો પાડીને સામાન વેચવા પર પ્રતિબંધ હોય છે.
આ નિયમોનું પાલન કરવાથી તમારી અને તમારા સહ-મુસાફરોની મુસાફરી સુખદ અને તણાવમુક્ત રહેશે.
