US Navy Attacks Gulf: ગલ્ફ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો પર અમેરિકી નૌસેના (US Navy) દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોતના મામલે ભારતે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે સાંજે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરીને આ ઘટના અંગે ભારત સરકારનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં વાણિજ્યિક જહાજો સામે આવી ઘાતક અને જીવલેણ સૈન્ય કાર્યવાહી કોઈ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં.
સોશિયલ મીડિયા પર વિદેશ મંત્રીનો આક્રોશ
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ વાતચીત અંગે સત્તાવાર માહિતી આપતા લખ્યું કે, "મેં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે વાત કરી છે. ગલ્ફ ક્ષેત્રમાં યુએસ નેવીના હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓ માર્યા ગયા તે અંગે મેં ભારતના સખત વિરોધનો પુનરોચ્ચાર કર્યો છે." વિદેશ મંત્રીએ ઉમેર્યું કે, નિર્દોષ વેપારી જહાજો અને તેના પર તૈનાત ક્રૂ મેમ્બર્સ સામે આ પ્રકારની હિંસક કાર્યવાહી બિલકુલ અસ્વીકાર્ય છે.
Spoke to US Secretary of State Marco Rubio this evening. I reiterated India’s strong protest at the attacks by the US Navy in the Gulf that killed three Indian mariners. Such lethal actions against commercial shipping are not justified.
અમેરિકી રાજદ્વારીને વિદેશ મંત્રાલયનું સમન્સ
આ ઘટનાની ગંભીરતાને જોતાં ભારતીય વિદેશ મંત્રાલયે પણ ત્વરિત પગલાં લીધાં છે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ (અમેરિકા) નાગરાજ નાયડુએ નવી દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ ભવન ખાતે યુએસ દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન અને ચાર્જ ડી'અફેર્સ જેસન મીક્સને તાકીદે સમન્સ પાઠવીને બોલાવ્યા હતા. બુધવારે રાત્રે પણ મીક્સને સમન્સ આપવામાં આવ્યું હતું. ભારતે અમેરિકી રાજદ્વારી સમક્ષ ભારપૂર્વક માંગ કરી છે કે પ્રાદેશિક તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય રૂટ પરથી પસાર થતાં તમામ વાણિજ્યિક જહાજો અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
ઓમાનના દરિયાકાંઠે સર્જાયો વિનાશ
મળતી માહિતી મુજબ, 10 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે પલાઉ (Palau) દેશમાં રજિસ્ટર્ડ થયેલા 'સેટેબેલો' નામના વાણિજ્યિક ટેન્કર જહાજ પર યુએસ નેવી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ 24 ભારતીય ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ તુરંત હાથ ધરાયેલા બચાવ અભિયાનમાં 21 ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા, પરંતુ 3 ભારતીય જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોની ઓળખ ડેક કેડેટ આદિત્ય શર્મા, ફિટર શિવાનંદ ચૌરસિયા અને ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ તરીકે થઈ છે.
ભારતીય જહાજો પર સતત હુમલાથી ચિંતા વધી
ગલ્ફ પ્રદેશમાં દરિયાઈ સુરક્ષાની સ્થિતિ સતત વણસી રહી છે. 'સેટેબેલો' પર થયેલા હુમલા પહેલા, 8 જૂનના રોજ 'મેરીવેક્સ' અને ત્યારબાદ 11 જૂનના રોજ 'જલવીર' નામના જહાજોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બે અલગ-અલગ ઘટનાઓમાં 40 થી વધુ ભારતીય ખલાસીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ શ્રેણીબદ્ધ બનાવોને પગલે ભારત સરકારે ગલ્ફ વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીઓ દરમિયાન નિર્દોષ નાગરિકોની સુરક્ષાને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરી છે.
