Why traditional houses had courtyard: આજના મોર્ડન ફ્લેટ્સ અને ચાર દીવાલોની બંધ સંસ્કૃતિમાં આપણે ભલે ગમે તેટલી ભૌતિક સુખ-સુવિધાઓ વસાવી લીધી હોય, પણ ગામડાના જૂના ઘરનું એ ખુલ્લું ‘આંગણું’ આજે પણ આપણને બાળપણની યાદોમાં સરી પડવા મજબૂર કરે છે. વહેલી સવારનો કુદરતી તડકો અને રાત્રે ખુલ્લા આકાશમાં ચમકતા તારા જોવાનો જે આનંદ આંગણામાં હતો, તે આજે ક્યાંય ખોવાઈ ગયો છે. આ આંગણું માત્ર એક પરંપરા નહોતી, પણ તેની પાછળ એક બહુ મોટું વિજ્ઞાન છુપાયેલું હતું. આંગણું રાખવા પાછળના મુખ્ય કારણો પર એક નજર કરીએ:
કુદરતી હવાની અવરજવર થતી
એ જમાનામાં આજની જેમ ચોવીસ કલાક વીજળી, પંખા કે મોંઘા એસી નહોતા. તેમ છતાં ઘરો એકદમ ઠંડા રહેતા. ઘરની બરોબર મધ્યમાં આવેલું ખુલ્લું આંગણું કુદરતી હવાની અવરજવરનું કામ કરતું. તેના કારણે આખા ઘરમાં ચોખ્ખી હવા અને પર્યાપ્ત સૂર્યપ્રકાશ મળી રહેતા, જેનાથી કૃત્રિમ લાઈટ વગર પણ ઘર આખો દિવસ પ્રકાશિત અને ઠંડકથી ભરેલું રહેતું.
વાસ્તુશાસ્ત્ર, આરોગ્ય અને વિજ્ઞાન
વાસ્તુશાસ્ત્ર અને આધુનિક વિજ્ઞાન બંને સ્વીકારે છે કે ઘરની મધ્યમાં ખુલ્લી જગ્યા હોવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ટકતી નથી. આંગણાને કારણે સૂર્યના કિરણો સીધા ઘરની અંદર સુધી પહોંચતા, જે કુદરતી સેનિટાઈઝરનું કામ કરીને કીટાણુઓનો નાશ કરતા. આ ઉપરાંત, ઘરના સભ્યોને પૂરતા પ્રમાણમાં વિટામિન-ડી મળી રહેતું, જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતું.
સ્ત્રીઓ માટે સુરક્ષિત અને વ્યક્તિગત સ્પેસ
જૂના સમયમાં સ્ત્રીઓ મોટેભાગે ઘરકામમાં જ વ્યસ્ત રહેતી અને તેમને બહાર જવાની તકો ઓછી મળતી. આવા સમયે ઘરનું આંગણું તેમના માટે એક આઝાદ અને સુરક્ષિત સ્પેસ પૂરું પાડતું. અનાજ સાફ કરવું, પાપડ-વડી સુકવવા જેવાં અનેક કામો તેઓ ઘરમાં રહીને પણ કુદરતી હવામાં હસતા-રમતા કરી શકતી.
સામાજિક અને કૌટુંબિક જોડાણ
આંગણું એ આખા પરિવારને એક તાંતણે બાંધતું કેન્દ્રબિંદુ હતું. સવારે સૂર્યનારાયણને જળ ચડાવવાથી લઈને, સાંજે વડીલોની ચાની ચૂસકીઓ અને રાત્રે દાદા-દાદીની વાર્તાઓનો દૌર... આ બધું જ આંગણામાં જ આકાર લેતું. હોળી-દિવાળી જેવા તહેવારો હોય, લગ્નપ્રસંગ હોય કે સીમંત, ઘરનું આંગણું જ સૌથી મોટો અને વહાલભર્યો 'બેન્ક્વેટ હોલ' બની જતું જ્યાં ગરબાની રમઝટ જામતી.
ટૂંકમાં કહીએ તો આંગણામાં રહીને માણસ ઘરની અંદર હોવા છતાં કુદરતની સાવ નજીક રહેતો. તુલસીનો ક્યારો, પક્ષીઓનો કલરવ, ચોમાસાના વરસાદની પહેલી બુંદો ઝીલવી અને ઉનાળાની રાત્રે ખુલ્લા આકાશ નીચે સૂઈ જવું આ બધો લહાવો આંગણાને કારણે જ શક્ય હતો. આજે ભલે આપણે આધુનિક બની ગયા, પણ પ્રકૃતિ સાથે જોડાયેલું એ 'સાયન્સ' ખરેખર અદભુત હતું.
