Loading...

Magh Mela 2026: સંગમમાં આસ્થાની ડૂબકી સાથે પ્રયાગરાજના આ 5 ઐતિહાસિક સ્થળોની લેજો મુલાકાત

2026ના પવિત્ર માઘ મેળામાં જઈ રહ્યા છો? સંગમ સ્નાન ઉપરાંત પ્રયાગરાજની અલોપી દેવી શક્તિપીઠ અને હનુમાન મંદિર જેવા આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લો અને તમારી યાત્રા સફળ બનાવો.

By: Dimpal GhoyalEdited By: Dimpal Ghoyal Publish Date: Tue 06 Jan 2026 12:44 PM (IST)Updated: Tue 06 Jan 2026 12:44 PM (IST)
magh-mela-2026-5-holy-bathing-places-in-prayagraj-668975

Magh Mela 2026: વર્ષ 2025ના ભવ્ય મહાકુંભ બાદ, પ્રયાગરાજની પવિત્ર ધરતી ફરી એકવાર 'માઘ મેળા 2026' સાથે આધ્યાત્મિક રંગે રંગાઈ છે. 45 દિવસ સુધી ચાલનારા આ આસ્થાના પર્વની શરૂઆત 3 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાથી થઈ ચૂકી છે, જે 15 ફેબ્રુઆરી 'મહાશિવરાત્રી' સુધી ચાલશે. જો તમે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ પવિત્ર સ્નાન સિવાય પણ પ્રયાગરાજમાં એવા અનેક સ્થળો છે જે તમારી યાત્રાને યાદગાર બનાવી દેશે.

પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન આ પાંચ સ્થળોની મુલાકાત લેવી અનિવાર્ય છે:

સુતા હનુમાનજી

સંગમ કિનારે આવેલું આ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજી શયન મુદ્રામાં બિરાજમાન છે. ભક્તોમાં એવી માન્યતા છે કે સંગમ સ્નાન ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે આ મંદિરના દર્શન કરવામાં આવે. દર વર્ષે ગંગાજીના પૂરના પાણી આ પ્રતિમાને સ્પર્શ કરે છે, જેને ભક્તો માતા ગંગા દ્વારા હનુમાનજીનો 'જલાભિષેક' માને છે.

અલ્હાબાદ કિલ્લો અને અક્ષયવત

1583માં સમ્રાટ અકબર દ્વારા નિર્મિત આ કિલ્લો મુઘલ સ્થાપત્યનો અદભૂત નમૂનો છે. જોકે આ કિલ્લો અત્યારે ભારતીય સેનાના નિયંત્રણ હેઠળ છે, પરંતુ શ્રદ્ધાળુઓ માટે અહીં 'અક્ષયવત'(અમર વડનું વૃક્ષ) ના દર્શનનું વિશેષ મહત્વ છે. પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા. આ સિવાય અહીં સરસ્વતી કુપ અને અશોક સ્તંભ પણ જોવાલાયક છે.

આનંદ ભવન

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી એવા આ ભવનો નહેરુ પરિવારનું નિવાસસ્થાન હતા. હવે તેને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં તમે સ્વતંત્રતા લડતને લગતા દુર્લભ ફોટોગ્રાફ્સ, દસ્તાવેજો અને તે સમયની જીવનશૈલીની ઝલક જોઈ શકો છો. ઇતિહાસપ્રેમીઓ માટે આ સ્થળ જ્ઞાનનો ખજાનો છે.

ખુસરો બાગ

મુઘલ શિલ્પકળાના ચાહકો માટે ખુસરો બાગ એક ઉત્તમ સ્થળ છે. આ સુંદર બગીચામાં સમ્રાટ જહાંગીરના પુત્ર ખુસરો મિર્ઝા અને તેમના પરિવારની ભવ્ય કબરો આવેલી છે. અહીંની પથ્થરો પરની કોતરણી અને શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષે છે.

અલોપી દેવી મંદિર

આ એક અનોખી શક્તિપીઠ છે, જ્યાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી પરંતુ એક 'પારણા' (ઝૂલા) ની પૂજા થાય છે. માન્યતા છે કે અહીં સતીના જમણા હાથનો પંજો અદ્રશ્ય થઈ ગયો હતો, તેથી આ દેવી 'અલોપી' (અદ્રશ્ય) તરીકે ઓળખાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ સ્થળ અત્યંત પ્રભાવશાળી છે.

ચંદ્રશેખર આઝાદ પાર્ક

જો સમય હોય તો પ્રયાગરાજના આ વિશાળ પાર્કની મુલાકાત અવશ્ય લેવી, જ્યાં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

આમ, માઘ મેળો 2026 માત્ર ધાર્મિક સ્નાન પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને શૌર્યગાથાને જાણવાની એક અમૂલ્ય તક પણ છે.