Canada Entry Documents: કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એરપોર્ટ પર થતી ઇમિગ્રેશન પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેનેડિયન એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે, વિદ્યાર્થીઓએ કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) ના અધિકારીઓનો સામનો કરવો પડે છે. આ અધિકારીઓ વિદ્યાર્થીના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરે છે અને કેટલાક પ્રશ્નો પૂછે છે, જેથી ખાતરી કરી શકાય કે વિદ્યાર્થીનો હેતુ માત્ર અભ્યાસ કરવાનો જ છે. કોઈપણ ભૂલ અથવા અધૂરા દસ્તાવેજોના કારણે પ્રવેશ નકારવામાં આવી શકે છે.
તેથી, કેનેડા જતા પહેલાં દરેક વિદ્યાર્થીએ નીચે દર્શાવેલા તમામ આવશ્યક દસ્તાવેજોની યાદી તપાસી લેવી જોઈએ અને તેને પોતાની સાથે રાખવા જોઈએ.
કેનેડા એરપોર્ટ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજોની યાદી
પાસપોર્ટ અને વિઝા
તમારો અસલી અને માન્ય પાસપોર્ટ, જેમાં કેનેડાના સ્ટુડન્ટ વિઝા અથવા Electronic Travel Authorization જોડાયેલું હોવું જોઈએ.
POE લેટર
ઇમિગ્રેશન વિભાગ તરફથી વિઝા મંજૂર થયા પછી મળેલો 'પોર્ટ ઓફ એન્ટ્રી' પરિચય પત્ર. આ પત્રના આધારે જ એરપોર્ટ પર તમને સત્તાવાર 'સ્ટડી પરમિટ' પ્રિન્ટ કરીને આપવામાં આવે છે.
કોલેજનો સ્વીકૃતિ પત્ર
તમે જે કેનેડિયન યુનિવર્સિટી અથવા કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે તેનો સત્તાવાર 'ઓફર લેટર' અથવા એડમિશન લેટર.
PAL અથવા CAQ
જો તમારા અભ્યાસક્રમ અથવા પ્રાંત માટે લાગુ પડતું હોય, તો 'પ્રોવિન્શિયલ અટેસ્ટેશન લેટર' (PAL) અથવા ક્વિબેક માટે 'સર્ટિફિકેટ ઓફ એક્સેપ્ટન્સ' (CAQ).
ભંડોળનો પુરાવો
કેનેડામાં રહેવા-જમવાનો અને અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માટે તમારી પાસે પૂરતા પૈસા છે તેનો પુરાવો. આ માટે GICનું કન્ફર્મેશન પત્ર, બેંક સ્ટેટમેન્ટ અથવા સ્કોલરશિપનો પત્ર બતાવવાનો રહેશે.
ટ્યુશન ફીની રસીદ
તમે કોલેજ કે યુનિવર્સિટીમાં જે ફી ભરી છે, તેની સત્તાવાર ફી રસીદ.
મેડિકલ રિપોર્ટ
જો તમે વિઝા પ્રક્રિયા દરમિયાન Medical Exam કરાવી હોય, તો તેની પુષ્ટિ કરતો રિપોર્ટ અથવા શીટ.
રહેઠાણની વિગતો
કેનેડા પહોંચ્યા પછી તમે ક્યાં રોકાવાના છો હોસ્ટેલ, ભાડાનું ઘર કે સંબંધીને ત્યાં તેનું સરનામું અને સંપર્ક વિગતો.
વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ટિપ્સ
આ તમામ મહત્વના દસ્તાવેજોને ક્યારેય ચેક-ઇન બેગેજમાં ન મૂકો. તેને હંમેશાં તમારા હેન્ડ બેગ અથવા લેપટોપ બેગમાં સાથે રાખો, જેથી એરપોર્ટ પર અધિકારી માગે ત્યારે તમે તેને તરત જ બતાવી શકો.
