Monsoon Trip: ગુજરાતની નજીકના 7 સુંદર હિલ સ્ટેશન, જ્યાં ચોમાસામાં સ્વર્ગ જેવો નજારો જોવા મળે છે

ચોમાસાની ઋતુ આવતાં જ લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે પ્રકૃતિના ખોળે જવા આતુર બને છે.તો ગુજરાતના એવા 7 હિલ સ્ટેશન જ્યાં સ્વર્ગ જેવો નજારો જોવા મળે છે,તો આજે જ જવાનો પ્લાન કરી લો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 02 Jun 2026 11:45 AM (IST)Updated: Tue, 02 Jun 2026 11:46 AM (IST)
7-best-hill-stations-near-gujarat-monsoon-weekend-getaways

Hill Stations Near Gujarat: ચોમાસાની ઋતુ આવતાં જ ગુજરાતના લોકો વર્ષભરની ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે પ્રકૃતિના ખોળે જવા આતુર બને છે. વરસાદના આગમનની સાથે જ ચારેય તરફ પથરાયેલી હરિયાળી, પહાડોને ઘેરતું ધુમ્મસ અને માટીની સુગંધ મનને પ્રફુલ્લિત કરી દે છે. ગુજરાત ભલે ભૌગોલિક રીતે થોડું શુષ્ક રાજ્ય ગણાતું હોય, પરંતુ તેની આસપાસ એવા અદ્ભુત હિલ સ્ટેશનો આવેલા છે જે ચોમાસામાં જીવંત થઈ ઉઠે છે. જો તમે પણ આ ચોમાસામાં ટૂંકી કે લાંબી રજાઓ ગાળવાનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાત અને તેની નજીક આવેલા આ 7 સુંદર હિલ સ્ટેશનો તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે:

સાપુતારા (Saputara)

ગુજરાતનું એકમાત્ર સત્તાવાર હિલ સ્ટેશન એટલે સાપુતારા. સહ્યાદ્રિ પર્વતમાળાની વચ્ચે મહારાષ્ટ્રની સરહદે આવેલું આ સ્થળ ચોમાસામાં સ્વર્ગ સમાન બની જાય છે. અહીંના ધોધ, લીલાછમ પહાડો અને તળાવ પર છવાયેલું ધુમ્મસ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ત્યાં નાગેશ્વર મહાદેવ મંદિર, સાપુતારા લેક (બોટિંગ), સ્ટેપ ગાર્ડન, પુષ્પક રોપવે અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન જોવાલયલ સ્થળો છે ત્યાં જવાનો બેસ્ટ સમય જુલાઈથી સપ્ટેમ્બર અને અંતરની વાત કરીએ તો સુરતથી 155 કિમી, વડોદરાથી 287 કિમી, અમદાવાદથી 400 કિમી છે.

વિલ્સન હિલ્સ (Wilson Hills)

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધરમપુર નજીક આવેલું વિલ્સન હિલ્સ પ્રકૃતિપ્રેમીઓ માટે આશીર્વાદ સમાન છે. પાંગરબારી વન્યજીવન અભયારણ્યની નજીક ગાઢ જંગલો વચ્ચે આવેલું હોવાથી અહીંનું વાતાવરણ ખૂબ જ ઠંડકવાળું રહે છે. અહીંથી દરિયા કિનારાની ક્ષિતિજ અને સૂર્યાસ્તનો અદ્ભુત નજારો જોવા મળે છે.ત્યાં બરુમલ શિવ મંદિર, વિલ્સન હિલ્સ મ્યુઝિયમ, બિલપુડી ટ્વીન વોટરફોલ, ઓઝોન વેલી અને માર્બલ છત્રી પોઇન્ટ જોવાલાયક સ્થળો છે ત્યાં જવાનો બેસ્ટ સમય જુલાઈથી સપ્ટેમ્બર, જ્યારે આ સ્થળ ઉષ્ણકટિબંધીય સ્વર્ગ જેવું લાગે છે અને તે સુરતથી 121 કિમી, વડોદરાથી 253 કિમી, અમદાવાદથી 366 કિમી છે.

ડોન હિલ સ્ટેશન (Don Hill Station)

સાપુતારાથી માત્ર 50 કિલોમીટર દૂર આવેલું ડોન હિલ સ્ટેશન ગુજરાતનું એક છુપાયેલું રત્ન છે. હજુ પણ પ્રદૂષણ અને ભારે ભીડથી મુક્ત એવું આ સ્થળ ટ્રેકર્સ, સાયકલ સવારો અને ફોટોગ્રાફર્સ માટે ઉત્તમ છે. અહીંની સ્વચ્છ હવા અને શાંતિ મનને કાયાકલ્પ કરી દે છે. મહેલ ઇકો કેમ્પસાઇટ, માયાદેવી ધોધ, પાંડવ ગુફાઓ અને ગીરા ધોધ જેવી જગ્યા જોવાલાયક છે તેમજ મુલાકાતનો શ્રેષ્ઠ સમય જુલાઈથી ઓક્ટોબર, જ્યારે વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. અંતરની વાત કરીએ તો સુરતથી 150 કિમી, વડોદરાથી 309 કિમી, અમદાવાદથી 405 કિમી છે.

માઉન્ટ આબુ (Mount Abu)

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન હોવા છતાં, તે ગુજરાતની બિલકુલ નજીક હોવાથી ગુજરાતીઓનું ઓલ-ટાઇમ ફેવરિટ વીકેન્ડ ડેસ્ટિનેશન છે. પહાડોની વચ્ચે વસેલું આ આકર્ષક શહેર રોમાંચ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ છે. ચોમાસા દરમિયાન અહીં પહાડો પરથી વહેતા ઝરણાં જોવાલાયક હોય છે તેમજ નક્કી લેક, પ્રખ્યાત દિલવારા જૈન મંદિર, પીસ પાર્ક, ગુરુ શિખર અને સનસેટ પોઇન્ટ એ પણ જોવાલાયક છે; આમ તો અહી આખું વર્ષ જઈ શકાય, પણ ચોમાસા પછી નવેમ્બરથી માર્ચ વધુ અનુકૂળ રહે છે તે અમદાવાદથી 227 કિમી, વડોદરાથી 337 કિમી, સુરતથી 493 કિમી થાય છે.

ગિરનાર (Girnar)

સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત માત્ર એક ધાર્મિક તીર્થસ્થાન જ નથી, પરંતુ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ અદભુત હિલ સ્ટેશન છે. ચોમાસા દરમિયાન પહાડો પર છવાઈ જતા વાદળો અને લીલોતરી જોઈને એવું લાગે જાણે પહાડો આકાશને આંબી રહ્યા છે. પર્વતની ટોચ પર જવા માટે એશિયાનો સૌથી મોટો રોપવે પણ ઉપલબ્ધ છે.ત્યાં અંબાજી મંદિર, દત્તાત્રેય શિખર, ઉપરકોટ કિલ્લો, ભવનાથ મંદિર અને ગિરનાર વન્યજીવન અભયારણ્યની ખાસ મુલાકાત લેજો. ત્યાં નવેમ્બરથી ફેબ્રુઆરી ચોમાસામાં ટ્રેકિંગ અઘરું હોવાથી, ચોમાસા બાદનો સમય શ્રેષ્ઠ રહે છે અને અમદાવાદથી 309 કિમી, વડોદરાથી 364 કિમી, સુરતથી 542 કિમી થાય છે.

પાવગઢ ટેકરીઓ (Pavagadh Hills)

પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ ધાર્મિક આસ્થા અને કુદરતી સૌંદર્યનો બેજોડ નમૂનો છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેરની મધ્યમાં આવેલી આ ટેકરીઓ ચોમાસા દરમિયાન હરિયાળીની ચાદર ઓઢી લે છે. અહી આવેલ રોપવે મુસાફરી દરમિયાન પ્રકૃતિનો અદભુત નજારો પૂરો પાડે છે; માંચી કિલ્લો, તેલિયા તળાવ, દૂધિયા તળાવ, જામી મસ્જિદ અને કાલિકા માતા મંદિર પણ ત્યાં જોવાલાયક છે ઓક્ટોબરથી ફેબ્રુઆરી જવાનો સામે સારો પરંતુ ચોમાસાના દિવસોમાં અહીંનો નજારો ખાસ હોય છે. અંતરની વાત કરીએ તો વડોદરાથી 111 કિમી, અમદાવાદથી 152 કિમી, સુરતથી 267 કિમી થાય છે.

માથેરાન (Matheran)

જો તમારે વાહનોના ધુમાડા અને હોર્નના ઘોંઘાટથી તદ્દન દૂર જવું હોય, તો મહારાષ્ટ્રમાં આવેલું માથેરાન બેસ્ટ ઓપ્શન છે. આ એશિયાનું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે જ્યાં વાહનો લાવવા પર સખત પ્રતિબંધ છે. પશ્ચિમ ઘાટમાં સમુદ્ર સપાટીથી 800 મીટરની ઊંચાઈએ આવેલું આ સ્થળ ચોમાસા દરમિયાન ધુમ્મસ અને ઝરણાંઓથી ભરાઈ જાય છે. ત્યાં જોવાલાયક સ્થળો એકો પોઇન્ટ, ચાર્લોટ લેક, લુઇસા પોઇન્ટ, વન ટ્રી હિલ અને પ્રખ્યાત ટોય ટ્રેનની સવારી છે અને મુલાકાતનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી નવેમ્બર, ચોમાસાની તરત પછી જ્યારે હવામાન ખુશનુમા હોય; તે સુરતથી 326 કિમી, વડોદરાથી 460 કિમી, અમદાવાદથી 575 કિમી થાય છે.

રોજિંદા જીવનની દોડધામ અને ગરમીથી કંટાળેલા લોકો માટે આ 7 હિલ સ્ટેશનો નવી ઉર્જા આપનારા સાબિત થશે. તો રાહ શેની જુઓ છો? આ ચોમાસે પ્રકૃતિને માણવા અને યાદગાર પળો કંડારવા માટે આજે જ તમારું ફેવરિટ સ્થળ પસંદ કરો અને બેગ પેક કરી લો!