Jamnagari Ghughra recipe: જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા એ ગુજરાતના સૌથી ચટાકેદાર સ્ટ્રીટ ફુડમાંથી એક છે. આ નાસ્તો ક્રિસ્પી કવર, મસાલા ભરેલા બટાકા-વટાણા, તીખી લસણની ચટણી, અને આંબલીની મીઠી ચટણીના અદભુત સંગમથી બને છે. તેમાં પણ ચોમાસાની ઋતુ હોય, બહાર સરસ મજાનો વરસાદ પડતો હોય અને ગરમાગરમ કંઈક તીખું-ચટાકેદાર ખાવાનું મન થાય, ત્યારે જામનગરના પ્રખ્યાત ઘૂઘરા યાદ આવ્યા વગર ન રહે! તો ચાલો, આજે જ ઘરે બનાવીએ આ મોંમાં પાણી લાવી દે તેવી રેસિપિ.
જરૂરી સામગ્રી
- મેંદાનો લોટ: ૨ કપ
- બટાકા:૪-૫ (બાફેલા અને મેશ કરેલા)
- લીલા વટાણા: ૧/૨ કપ (બાફેલા)
- આદુ-મરચાની પેસ્ટ
- ગરમ મસાલો
- આમચૂર પાઉડર
- ધાણાજીરું
- હળદર
- લાલ મરચું
- મીઠું
- તીખી લસણની ચટણી
- ખાટી-મીઠી આમલીની ચટણી
- લીલા ધાણાની ચટણી
- સેવ
- મસાલા સીંગ
- તેલ તળવા માટે
બનાવવાની રીત
લોટ બાંધવો: સૌપ્રથમ એક વાસણમાં મેંદાનો લોટ લો. તેમાં ૨ ચમચી ગરમ તેલનું મોણ અને સ્વાદ મુજબ મીઠું નાખી, થોડું-થોડું પાણી ઉમેરીને પૂરી જેવો કઠણ લોટ બાંધી લો. લોટને ૧૫ મિનિટ કપડાથી ઢાંકીને રાખી દો.
સ્ટફિંગ તૈયાર કરવું: એક કડાઈમાં ૧ ચમચી તેલ ગરમ કરો. તેમાં આદુ-મરચાની પેસ્ટ સાંતળો. હવે બાફેલા બટાકા અને વટાણા ઉમેરો. ત્યારબાદ લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. આ માવાને ઠંડો થવા દો.
ઘૂઘરા વાળવા: લોટના નાના લૂઆ કરી પૂરી વણી લો. પૂરીની વચ્ચે ૧ ચમચી માવો મૂકો. પૂરીને અડધી વાળીને કિનારીઓ બરાબર ચોંટાડી દો. હવે કિનારીને અંદરની તરફ વાળીને સરસ ઘાટ ડિઝાઇન આપો.
તળવું: ધીમાથી મધ્યમ તાપે તેલ ગરમ કરો. ઘૂઘરાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
પીરસવાની જામનગરી સ્ટાઈલ: ગરમાગરમ ઘૂઘરાને વચ્ચેથી તોડી પ્લેટમાં ગોઠવો. તેના પર તીખી લસણની ચટણી, ખાટી-મીઠી આમલીની ચટણી અને લીલી ચટણી દિલ ખોલીને રેડો. ઉપરથી ઝીણી સેવ, મસાલા સીંગ અને લીલા ધાણા ભભરાવો.
બહાર પડતા વરસાદના ટીપાં અને પ્લેટમાં ગરમાગરમ, તીખા-મીઠા જામનગરી ઘૂઘરા... ચોમાસાની આનાથી ઉત્તમ મજા બીજી કોઈ હોઈ જ ન શકે!
