Drooling during sleep: રાત્રે ઊંઘતી વખતે ઓશીકા પર લાળના ડાઘ જોવા મળવા એ એક એવી બાબત છે, જેને મોટાભાગના લોકો બહુ ગંભીરતાથી લેતા નથી. સામાન્ય રીતે આપણે તેને થાક અથવા ઘાટી ઊંઘનું પરિણામ માનીને નજરઅંદાજ કરી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ નાની દેખાતી આદત વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલો એક મોટો ઈશારો હોઈ શકે છે? ચાલો સમજીએ કે ઊંઘમાં લાળ કેમ છૂટે છે અને તે ક્યારે ચિંતાનો વિષય બની શકે છે.
લાળ બનવાની કુદરતી પ્રક્રિયા
આપણા મોઢામાં આવેલી ગ્રંથિઓ દરરોજ અંદાજે અડધાથી દોઢ લીટર જેટલી લાળનું ઉત્પાદન કરે છે. આ લાળ ખોરાકને પચાવવામાં, મોઢાને સાફ રાખવામાં અને બેક્ટેરિયા સામે રક્ષણ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દિવસ દરમિયાન આપણે જાગતા હોઈએ ત્યારે સતત આ લાળને ગળતા રહીએ છીએ, જેથી આપણને તેનો અહેસાસ થતો નથી. પરંતુ રાત્રે આ આખી પ્રક્રિયા બદલાઈ જાય છે.
ઊંઘમાં લાળ પડવાના સામાન્ય કારણો
જ્યારે આપણે ઊંડી ઊંઘમાં હોઈએ છીએ, ત્યારે આપણા ચહેરા અને મોઢાના સ્નાયુઓ સંપૂર્ણપણે શિથિલ થઈ જાય છે. આ સમયે લાળ ગળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. એ સિવાય સૂવાની ખોટી પોઝિશન પણ જવાબદાર હોય જો તમે ચત્તા સૂવાને બદલે પડખું ફરીને અથવા પેટના બળે ઊંધા સૂતા હોવ, તો ગુરુત્વાકર્ષણના કારણે લાળ સરળતાથી મોઢાની બહાર સરકી જાય છે. તેમજ શરદી, સાઇનસ અથવા કોઈ એલર્જીના કારણે જ્યારે નાક બંધ થઈ જાય છે, ત્યારે માણસ મજબૂરીમાં મોઢાથી શ્વાસ લેવાનું શરૂ કરે છે. મોઢું ખુલ્લું રહેવાના લીધે લાળ બહાર આવવા લાગે છે. પેટમાં ગરબડ, એસિડ રિફ્લક્સ કે છાતીમાં બળતરા થવાના કારણે શરીર બચાવ પક્ષે વધુ પ્રમાણમાં લાળ બનાવવાનું શરૂ કરે છે, જે રાત્રે બહાર નીકળે છે.આ કારણો જવાબદાર છે.
ગંભીર બીમારીઓનો સંકેત ક્યારે હોઈ શકે?
જો આ સમસ્યા ક્યારેક જ થતી હોય તો મૂંઝાવાની જરૂર નથી, પરંતુ જો રોજ ઓશીકું ભીનું થતું હોય તો તે આ ગંભીર બીમારીઓ તરફ ઈશારો કરે છે: આ ઊંઘને લગતી એક ગંભીર બીમારી છે, જેમાં સૂતી વખતે અચાનક શ્વાસ રોકાઈ જાય છે અને વ્યક્તિ મોઢાથી હાંફવા લાગે છે, મગજ અથવા જ્ઞાનતંતુઓને લગતી તકલીફોમાં સ્નાયુઓ પરનું નિયંત્રણ નબળું પડતાં લાળ ટપકવા લાગે છે. તેમજ ગળામાં સોજો, ટોન્સિલની સમસ્યા અથવા મોઢામાં કોઈ ચેપ લાગ્યો હોય તો પણ લાળનું પ્રમાણ વધી જાય છે.
બચવાના સરળ ઉપાયો
- હંમેશા પીઠના બળે એટલે કે ચત્તા સૂવાની આદત કેળવો.
- રાત્રે મોડો, ભારે કે અતિશય મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો જેથી એસિડિટી ન થાય.
- દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીઓ જેથી મોઢાનું સ્વાસ્થ્ય સારું રહે.
જો આ સમસ્યા લાંબા સમય સુધી યથાવત રહે, તો તેને સામાન્ય ગણવાની ભૂલ ન કરવી. યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લઈને તેની પાછળનું સાચું કારણ જાણી લેવું જ હિતાવહ છે.
