Medicine Side Effects: આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટરો આપણને સાજા થવા માટે દવાઓ આપે છે. પરંતુ દવા લેવાની રીત અને સમય એટલો જ મહત્વનો છે જેટલી દવા પોતે. સામાન્ય રીતે માહિતીના અભાવે અથવા ઉતાવળમાં ઘણા લોકો ગમે ત્યારે દવા ગળી લે છે. કેટલીક દવાઓ ખાલી પેટે લેવાની હોય છે, પરંતુ જો ખોરાક સાથે લેવાની દવાઓ ખાલી પેટે લેવામાં આવે તો તે શરીરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડૉ.ના જણાવ્યા અનુસાર, દરેક દવાની શરીર સાથે કામ કરવાની રીત અલગ હોય છે. કેટલીક દવાઓ ખોરાક સાથે લેવાથી વધુ અસરકારક બને છે, જ્યારે ખાલી પેટે લેવાથી તે પેટના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે.
ખાલી પેટે કઈ દવાઓ લેવાનું ટાળવું જોઈએ?
પેઇનકિલર્સ: તાવ, સોજો કે દુખાવા માટે વપરાતી સામાન્ય પેઇનકિલર્સ જો ખાલી પેટે લેવામાં આવે તો પેટમાં એસિડિટી, ગેસ, બળતરા અને લાંબે ગાળે પેટમાં અલ્સર થવાનું જોખમ વધી જાય છે.
એન્ટિબાયોટિક્સ: બધી એન્ટિબાયોટિક્સ એકસરખી હોતી નથી. કેટલીક એન્ટિબાયોટિક્સ ખાલી પેટે લેવાથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો કે ઝાડા થઈ શકે છે. જોકે, અમુક એન્ટિબાયોટિક્સ ડૉક્ટરો ખાસ ખાલી પેટે લેવાનું કહે છે, તેથી ડૉક્ટરની સલાહ મુજબ જ વર્તવું.
ડાયાબિટીસની દવાઓ: ડાયાબિટીસની અમુક દવાઓ ભોજનની સાથે કે પહેલાં લેવાની હોય છે. જો આ દવા લીધા પછી ખોરાક ન લેવામાં આવે, તો બ્લડ સુગરનું સ્તર ખતરનાક રીતે ઘટી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે.
આયર્ન અને વિટામિન સપ્લિમેન્ટ્સ: Ironની દવાઓ ખાલી પેટે વધુ શોષાય છે, પણ તેનાથી ઘણા લોકોને પેટમાં દુખાવો કે કબજિયાત થાય છે, તેથી તેને હળવા નાસ્તા સાથે લેવી હિતાવહ છે. આ ઉપરાંત, ચરબીમાં ઓગળતા વિટામિન્સ જેમ કે વિટામિન A, D, E અને K ખોરાક વિના બરાબર શોષાતા નથી અને તેમની અસર ઓછી થઈ જાય છે.
ખાલી પેટે દવા લેવાના ગેરફાયદા
- પેટમાં ભયંકર ગેસ, એસિડિટી અને હાર્ટબર્ન.
- ઉબકા, ઉલટી અને ચક્કર આવવા.
- પેટના આંતરિક હિસ્સાને નુકસાન થવું અને અલ્સર કે ગેસ્ટ્રાઇટિસની જૂની બીમારીઓ ઉથલો મારવી.
- દવાની ધારી અસર ન થવી.
દવા લેવાના સમયને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. હંમેશા દવાના પેકેટ પર લખેલી સૂચનાઓ વાંચો અથવા ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન સ્લિપ તપાસો. જો કોઈ પણ બાબતે મૂંઝવણ હોય, તો જાતે નિર્ણય લેવાને બદલે ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ અચૂક લો.
DISCLAIMER: દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. આ આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
