Body Heat Remedies: ઉનાળાની ઋતુમાં વધતી ગરમીના કારણે શરીરમાં ડિહાઇડ્રેશન, થાક, એસિડિટી અને આંતરિક ગરમી જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં કેટલીક ઘરગથ્ઠુ અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને શરીરને ઠંડક આપી શકાય છે. ખાસ કરીને સવારે અને બપોરના સમયે યોગ્ય આહાર અને પીણાં લેવાથી ગરમીની અસર ઓછી કરી શકાય છે.
નાળિયેર પાણી
સૌપ્રથમ, નાળિયેર પાણી ઉનાળામાં સૌથી શ્રેષ્ઠ પીણાંમાંનું એક માનવામાં આવે છે. તેમાં રહેલા કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરમાં પાણીની ઉણપ દૂર કરે છે અને તરત જ તાજગી આપે છે. રોજ સવારે નાળિયેર પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ડિહાઇડ્રેશનનો ખતરો ઘટે છે.
તુલસીનું પાણી
બીજો અસરકારક ઉપાય છે તુલસીનું પાણી. તુલસીમાં એન્ટી-ઓક્સિડન્ટ અને ઔષધીય ગુણધર્મો ભરપૂર પ્રમાણમાં હોય છે. સવારે 2 થી 3 તુલસીના પાન પાણીમાં પલાળી તે પાણી પીવાથી શરીરની આંતરિક ગરમી ઓછી થાય છે અને શરીરને ઠંડક મળે છે.
ધાણાનું પાણી
ગરમીથી થતી એસિડિટી અને પેટની સમસ્યાઓ માટે ધાણાનું પાણી ખૂબ ફાયદાકારક ગણાય છે. રાત્રે એક ચમચી ધાણા પાણીમાં પલાળી રાખો અને સવારે તે પાણી ગાળી પી લો. આ ઉપાય એસિડિટી, પેટમાં બળતરા અને પાચન સંબંધિત તકલીફોમાં રાહત આપે છે.
કાકડી
આ ઉપરાંત કાકડી ઉનાળાનું શ્રેષ્ઠ શાકભાજી માનવામાં આવે છે. કાકડીમાં 90 ટકા કરતાં વધુ પાણી હોય છે, જેના કારણે તે કુદરતી હાઇડ્રેશન ડ્રિંક તરીકે કામ કરે છે. બપોરના જમણમાં સલાડ તરીકે કાકડીનો સમાવેશ કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને ગરમીની અસર ઓછી થાય છે.
આ તમામ ઘરગથ્ઠુ ઉપાયો સરળ, સસ્તા અને સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. જોકે, જો ગરમીના કારણે ગંભીર તકલીફો અનુભવાતી હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. યોગ્ય આહાર, પૂરતું પાણી અને આ કુદરતી ઉપાયો અપનાવીને ઉનાળાની ગરમીથી બચી શકાય છે.
DISCLAIMER: દરેકના શરીરની તાસીર અલગ અલગ હોય છે. આ આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
