FSSAI food packaging rules: ખાદ્ય પદાર્થોના પેકિંગને લઈને FSSAI દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમ અંતર્ગત હવેથી ખાવા-પીવાની કોઈપણ વસ્તુના પેકેજિંગમાં સ્ટેપલર પિન, મેટલ વાયર કે અન્ય કોઈપણ પ્રકારની ધાતુની સામગ્રીનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર આ નિયમનો અનાદર કરશે, તો તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
એડવાઇઝરી જાહેર કરવાનું મુખ્ય કારણ
FSSAI ના સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે, હોટલ, રેસ્ટોરન્ટ અને સ્થાનિક દુકાનદારો ખાદ્ય સામગ્રી પાર્સલ કરતી વખતે અથવા કેક બોક્સ, મીઠાઈના ડબ્બા, ફરસાણના પાઉચ અને ડેકોરેટિવ કેકને ફિક્સ કરવા માટે મોટા પાયે સ્ટેપલર પિન કે લોખંડના ઝીણા વાયરનો ઉપયોગ કરે છે.
આ પદ્ધતિ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઘણી વખત પેકિંગ ખોલતી વખતે આ નાની પિન અજાણતા ખોરાકમાં ભળી જાય છે. જો આવી પિન ગ્રાહકના પેટમાં જતી રહે, તો શરીરના આંતરિક અંગોને ગંભીર નુકસાન કે ઈજા થઈ શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને જ જાહેર જનતાના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.
આ નિયમ કઈ-કઈ વસ્તુઓ પર લાગુ થશે?
નવા આદેશ મુજબ, આ પ્રતિબંધ ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી તમામ નાની-મોટી પેકેજિંગ પ્રક્રિયાઓ પર સમાન રીતે લાગુ પડશે: કેક બોક્સ, પેસ્ટ્રી કન્ટેનર અને બ્રેડના પેકેટ્સ, હોટલ કે રેસ્ટોરન્ટમાંથી મળતા તમામ પ્રકારના ફૂડ પાર્સલ્સ, કાજુ કતરી, પેંડા કે અન્ય મીઠાઈના બોક્સનું સીલિંગ, ફરસાણ, વેફર્સ કે ડ્રાયફ્રૂટ્સના પેકિંગ ટૂંકમાં, ગ્રાહક સુધી પહોંચતા કોઈપણ ખાદ્ય પદાર્થને બાંધવા, સીલ કરવા અથવા સ્ટેપલ કરવા માટે ધાતુની પિનનો ઉપયોગ હવે ગુનો ગણાશે.
નિયમ ભંગ બદલ કડક સજાની જોગવાઈ
FSSAI દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006' અંતર્ગત આ નિયમોનું પાલન કરવું દરેક ફૂડ બિઝનેસ ઓપરેટર માટે ફરજિયાત છે. જો કોઈ વેપારી આ આદેશનું ઉલ્લંઘન કરતો પકડાશે, તો તેની સામે ભારે દંડ અને કાનૂની પગલાં સહિતની કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
વિકલ્પ શું હોઈ શકે?
વેપારીઓએ હવે સ્ટેપલરના બદલે ફૂડ-ગ્રેડ સેફ્ટી ગ્લુ, દોરી, રબર બેન્ડ અથવા સેલ્ફ-લોકિંગ પેપર બોક્સ જેવા સુરક્ષિત વિકલ્પો અપનાવવા પડશે. આ નવી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને અજાણતા થતી શારીરિક ઈજાઓથી બચાવવાનો અને દેશમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત બનાવવાનો છે.
