Love Bite Health Risk: રોમાંસ અને ઇન્ટીમેસી દરમિયાન પાર્ટનર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે 'લવ બાઈટ' આપવી આજકાલ કપલ્સમાં ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. તેને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રેમનું આ નાનું સરખું નિશાન કોઈનો જીવ પણ લઈ શકે છે? સાંભળવામાં આ વાત ભલે વિચિત્ર કે અશક્ય લાગે, પરંતુ તબીબી વિજ્ઞાન અને દુનિયામાં બનેલી કેટલીક વાસ્તવિક ઘટનાઓ અનુસાર, લવ બાઈટ અમુક પરિસ્થિતિઓમાં અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે.
હા, તબીબી વિજ્ઞાન મુજબ આ શક્ય છે, પરંતુ આવા કિસ્સાઓ અત્યંત દુર્લભ હોય છે. દુનિયાભરમાં આવા જૂજ કિસ્સા નોંધાયા છે, જેમ કે મેક્સિકોમાં એક 17 વર્ષના છોકરાનું ગળા પર લવ બાઈટને કારણે બ્લડ ક્લોટ થવાથી બ્રેન સ્ટ્રોક થતાં મૃત્યુ થયું હતું. વાસ્તવમાં લવ બાઈટ એ કોઈ સામાન્ય ડાઘ નથી, પણ ત્વચાની નીચેની બારીક રક્તવાહિનીઓ ફાટવાને કારણે જમા થયેલું લોહી છે. તેને મેડિકલ ભાષામાં 'એકાઇમોસિસ' કહેવામાં આવે છે.
શું હોય છે લવ બાઈટ?
લવ બાઈટ એટલે રોમાંસ દરમિયાન ગરદન પર ચૂસવાથી લોહીની નસો ફાટવી અને લાલ નિશાન પડવું, જે સામાન્ય રીતે હાનિકારક છે. પરંતુ ગરદનની મુખ્ય નસ પર વધુ પડતું દબાણ આવવાથી લોહી ગંઠાઈ શકે છે, જે મગજ સુધી પહોંચતા બ્રેન સ્ટ્રોક કે જીવનું જોખમ ઊભું કરી શકે છે.
ક્યારે અને કેવી રીતે મોટો ખતરો બને છે?
માનવ શરીરની રચનામાં ગરદનનો ભાગ ખૂબ નાજુક અને મહત્વનો છે. આ જોખમ પાછળના મુખ્ય વૈજ્ઞાનિક કારણો છે; આપણી ગરદનની બંને બાજુએ 'કેરોટિડ ધમની' આવેલી હોય છે, જે મગજ સુધી ઓક્સિજન અને લોહી પહોંચાડવાનું મુખ્ય કામ કરે છે. લવ બાઈટ આપતી વખતે જો આ ધમની પર વધુ પડતું જોર કે સક્શન આવે, તો તેની અંદરની દીવાલમાં ઈજા થઈ શકે છે. આ ધમનીમાં ઈજા થવાને કારણે ત્યાં લોહીનો ગંઠો બની શકે છે. જો આ ગંઠો ત્યાંથી છૂટો પડીને લોહીના વહાણ સાથે મગજ તરફ આગળ વધે, તો મગજની નસોમાં અવરોધ ઊભો થાય છે પછી મગજની નસ બ્લોક થતાં જ ત્યાં લોહી અને ઓક્સિજન પહોંચવાનું બંધ થઈ જાય છે, જેને 'ઇસ્કેમિક સ્ટ્રોક' કહેવાય છે. આ સ્થિતિ પેરાલિસિસ અથવા દર્દીના મૃત્યુનું કારણ બની શકે છે.
જોખમના પ્રારંભિક લક્ષણો
સામાન્ય લવ બાઈટ 1 થી 2 અઠવાડિયામાં આપમેળે ગાયબ થઈ જાય છે. પરંતુ જો નીચેના લક્ષણો દેખાય, તો તેને સામાન્ય ન ગણીને તુરંત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ:
- ગરદનના ભાગમાં અસહ્ય અને લાંબો સમય ચાલતો દુખાવો.
- શરીરના કોઈ ભાગમાં કે હાથ-પગમાં અચાનક નબળાઈ અથવા સુન્નતા આવવી.
- ચક્કર આવવા, બોલવામાં તકલીફ પડવી અથવા અચાનક ધૂંધળું દેખાવું.
નિશાન અને દર્દથી રાહત મેળવવાના ઘરગથ્થુ ઉપાયો
જો લવ બાઈટ સામાન્ય હોય અને માત્ર ડાઘ કે હળવો દુખાવો હોય, તો તેનાથી ઝડપી રાહત મેળવવા માટે આ પદ્ધતિ અપનાવો:
1.કોલ્ડ કોમ્પ્રેસ પ્રથમ 24 થી 48 કલાક માટે
લવ બાઈટ થયાના તરત જ બરફના ટુકડાને કપડામાં લપેટીને 10-15 મિનિટ સુધી તે જગ્યા પર હળવો શેક કરો. આનાથી આસપાસ ફેલાતું લોહી અટકશે અને સોજો ઓછો થશે.
2. હોટ કોમ્પ્રેસ 2 દિવસ પછી
બે દિવસ પછી તે જગ્યા પર ગરમ કપડાં અથવા ગરમ પાણીની કોથળી વડે હળવો શેક કરો. આનાથી ત્યાં નવું અને શુદ્ધ લોહી વહેવા લાગશે, જેનાથી જમા થયેલું લોહી ઝડપથી સાફ થશે અને કાળો-જાંબલી ડાઘ ઝાંખો પડશે.
3. હળવી મસાજ કરો
તે જગ્યા પર આંગળીના ટેરવા વડે ગોળાકારમાં હળવી માલિશ કરો. એલોવેરા જેલ લગાવવાથી ત્વચાની બળતરા ઓછી થાય છે અને રક્તવાહિનીઓ ઝડપથી રીપેર થાય છે.
પ્રેમ વ્યક્ત કરવાની આ રીતમાં ઉત્તેજના વશ ક્યારેય ગરદન પર વધુ પડતું દબાણ કે બાઈટ ન કરવી જોઈએ. પાર્ટનરની સુરક્ષા હંમેશા સર્વોપરી છે.
