એરોબિક કસરત શું છે? જાણો તેના અદ્ભુત ફાયદા અને અત્યારના ફિટનેસ અને ફનના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે

જાણો કેમ આજકાલ એરોબિક કસરત આટલી ટ્રેન્ડમાં છે! વજન ઘટાડવા, હૃદયને મજબૂત કરવા અને માનસિક તણાવ દૂર કરવા માટે આ ફન વર્કઆઉટના ફાયદા અને રીતો વિશે વિગતવાર જાણો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 17 Jun 2026 09:51 AM (IST)Updated: Wed, 17 Jun 2026 09:51 AM (IST)
aerobic-exercise-benefits-fitness-fun-latest-trends

aerobics exercise benefits: આજકાલ હેલ્થ અને ફિટનેસની દુનિયામાં 'એરોબિક કસરત' ભારે ધૂમ મચાવી રહી છે. બદલાતી લાઈફસ્ટાઈલમાં લોકો હવે માત્ર શારીરિક રીતે જ નહીં, પણ માનસિક રીતે પણ ફ્રેશ રહેવા માંગે છે. આ જ કારણ છે કે પરંપરાગત બોરિંગ વર્કઆઉટને છોડીને લોકો ઝુમ્બા, ડાન્સ એરોબિક્સ, સાયકલિંગ અને રનિંગ જેવા એરોબિક ઓપ્શન્સ તરફ ઝડપથી વળી રહ્યા છે.

'એરોબિક' એટલે શું?

એરોબિક શબ્દનો સરળ અર્થ થાય છે "ઓક્સિજન સાથે". આ એવી કસરતો છે જેમાં શરીરના મોટા સ્નાયુઓ સતત ગતિમાં રહે છે અને હૃદયના ધબકારા વધે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્નાયુઓ સુધી ઊર્જા પહોંચાડવા માટે શરીર ઓક્સિજનનો ભરપૂર ઉપયોગ કરે છે.

એરોબિક્સ ટ્રેન્ડમાં હોવાના મુખ્ય કારણો

આ વર્કઆઉટની સૌથી મોટી ખાસિયત તેનું મ્યુઝિક છે. ધમાકેદાર ગીતોના તાલ પર હલનચલન કરવાનું હોવાથી 1 કલાક ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પણ નથી પડતી ; સાથે જ વજન ઘટાડવા માંગતા લોકો માટે આ વરદાન સમાન છે. એક રિપોર્ટ મુજબ, માત્ર એક કલાકના હાઈ-એનર્જી એરોબિક્સ સેશનથી 400 થી 600 કેલરી બર્ન થઈ શકે છે. આનો મોટો ફાયદો એ છે કે આ કસરત ગમે ત્યાં થઈ શકે આ માટે ભારે અને મોંઘા જીમ સાધનોની જરૂર નથી પડતી. તમે સોસાયટીના ગ્રાઉન્ડમાં, ડાન્સ ક્લાસમાં કે ઘરે યુટ્યુબ ચાલુ કરીને પણ આરામથી કરી શકો છો.

સ્વાસ્થ્ય માટેના અદ્ભુત ફાયદા

હૃદયની મજબૂતી

એરોબિક્સ તમારા હૃદય અને ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેના લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.

માનસિક તણાવથી મુક્તિ

આ કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન નામના 'હેપ્પી હોર્મોન્સ' મુક્ત થાય છે, જે આખો દિવસ મૂડ સારો રાખે છે અને ડિપ્રેશન તેમજ ચિંતા દૂર કરે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

નિયમિત એરોબિક્સ કરવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે, જેથી શરદી-ખાંસી જેવી નાની-મોટી બીમારીઓ નજીક નથી આવતી.

ડાયાબિટીસ અને બીપી પર કંટ્રોલ

તે ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારે છે, જેથી બ્લડ સુગર અને હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

એરોબિક કસરત એ માત્ર ફિટ રહેવાનો ટ્રેન્ડ નથી, પરંતુ જીવંત અને ઉર્જાવાન જીવન જીવવાની એક સુંદર રીત છે. જો તમે હજુ સુધી આની શરૂઆત નથી કરી, તો રોજ સવારે કે સાંજે માત્ર 20 થી 30 મિનિટ ફાળવીને આ ટ્રેન્ડનો હિસ્સો બની શકો છો. ફિટનેસ સાથે મનોરંજન મેળવવાનો આનાથી શ્રેષ્ઠ રસ્તો બીજો કોઈ હોઈ ન શકે!