Papdi Gathiya Recipe: ઘરે જ બનાવો બજાર જેવા સોફ્ટ અને ક્રિસ્પી પાપડી ગાંઠિયા, જાણો પરફેક્ટ રીત

ક્રિસ્પી પાપડી ગાંઠિયા બનાવવાની પરફેક્ટ રીત. ચા અને પપૈયાના સંભારા સાથે અસલ ગુજરાતી સ્વાદ માણવા માટે આ સરળ રેસીપી આજે જ ટ્રાય કરો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 17 Jun 2026 10:39 AM (IST)Updated: Wed, 17 Jun 2026 10:39 AM (IST)
how-to-make-soft-crispy-papdi-gathiya-at-home

Papdi Gathiya Recipe: ગુજરાતીઓનો સવારનો કે સાંજનો મનપસંદ નાસ્તો એટલે પાપડી ગાંઠિયા. ચા સાથે ગરમાગરમ અને ક્રિસ્પી પાપડી ખાવાની મજા જ કંઈક અલગ છે. અહીં બજાર જેવા જ સોફ્ટ અને ક્રિસ્પી પાપડી ગાંઠિયા ઘરે બનાવવાની એકદમ સરળ રીત આપી છે.

સામગ્રી

  • ચણાનો લોટ: ૨ કપ
  • તેલ: ૧/૪ કપ
  • પાણી: ૧/૨ કપ
  • પાપડખાર: ૧/૨ નાની ચમચી
  • અજમો: ૧ નાની ચમચી
  • હિંગ: ૧/૪ નાની ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર

બનાવવાની રીત

ક્રીમી મિશ્રણ તૈયાર કરવું
સૌથી પહેલા એક મોટા વાસણમાં ૧/૨ કપ પાણી લો. તેમાં ૧/૪ કપ તેલ, પાપડખાર, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે આ મિશ્રણને હેન્ડ બ્લેન્ડર અથવા ચમચીની મદદથી ૪-૫ મિનિટ માટે બરાબર ફેંટી લો, જ્યાં સુધી તે એકદમ સફેદ અને ક્રીમી ન થઈ જાય. ગાંઠિયાને પોચા અને ક્રિસ્પી બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ મહત્વનું છે.

લોટ બાંધવો
હવે આ તૈયાર થયેલા ક્રીમી મિશ્રણમાં ચાળેલો ચણાનો લોટ અને મસળેલો અજમો ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને નરમ લોટ બાંધી લો. લોટ રોટલીના લોટ કરતાં થોડો વધુ નરમ અને ચીકણો હોવો જોઈએ. જરૂર જણાય તો જ ૧-૨ ચમચી પાણી ઉમેરવું.

સંચો તૈયાર કરવો
ગાંઠિયા બનાવવાના સંચામાં પાપડી વાળી પ્લેટ ગોઠવો. સંચાની અંદર તેલ લગાવી લો જેથી લોટ ચોંટે નહીં અને તેમાં તૈયાર કરેલો લોટ ભરો.

પાપડી તળવી
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી, સંચાને ગોળ ફેરવતા જઈ સીધા કડાઈમાં પાપડી પાડો. પાપડીને બંને બાજુથી હલકો સોનેરી રંગ થાય ત્યાં સુધી તળી લો તેને તળાતા ખૂબ ઓછો સમય લાગે છે.

તમારા એકદમ ક્રિસ્પી અને મોઢામાં ઓગળી જાય તેવા પાપડી ગાંઠિયા તૈયાર છે. તેને ગરમાગરમ ચા, પપૈયાના સંભારા અને તળેલા મરચાં સાથે માણો!