Gujarati Dal Vada Recipe: દાલવડાની વાત આવે એટલે અંબિકાના દાલવડા, બહેમરામપુરાના વિજયના દાલવડા, અંકુરના આણંદ દાલવડાના નામ પહેલા યાદ આવે. પરંતુ આજે સ્વાદિષ્ટ દાલવડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. ડુંગળી-લીલા મરચા કે ચા સાથે દાલવડા ખાવાની મજા પડે છે. તો ચાલો બનાવીએ દાલવડા.
દાલવડા બનાવવાની સામગ્રી: (દાલવડા બનાવવાની પરફેક્ટ રીત | Gujarati Dalvada | Dalvada in Gujarati)
- મગની ફોતરાવાળી દાળ: 1 કપ
- તીખા લીલા મરચાં: 2 નંગ (સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકાય)
- આદુ: 1 ઇંચનો ટુકડો
- મીઠું: સ્વાદ પ્રમાણે
- હિંગ: ચપટી
- મરીના દાણા: 1 ચમચી (અધકચરા ખાંડેલા)
- કોથમીર: ¼ કપ
- ચણાનો લોટ: 2 ચમચી (જો બેટર પાતળું લાગે તો)
- તળવા માટે તેલ: જરૂર મુજબ
- તળવા માટે તીખા લીલા મરચાં: 5-6 નંગ (વૈકલ્પિક)
- ડુંગળી: સલાડ તરીકે સાથે ખાવા માટે

દાલવડા બનાવવાની રીત: (અમદાવાદ ના પ્રખ્યાત દાલવડા બનાવવાની રીત | dalvada recipe)
- દાળ પલાળવી: સૌથી પહેલા 1 કપ મગની ફોતરાવાળી દાળને સારી રીતે ધોઈને 4 થી 5 કલાક માટે પલાળી દો.
- ફોતરા કાઢવા: દાળ પલળી જાય અને તેના ફોતરા નીકળવા લાગે ત્યારે તેને બે હાથની હથેળી વચ્ચે ઘસીને બધા ફોતરા કાઢી લો. ફોતરા હલકા હોવાથી પાણીમાં ઉપર તરશે, તેને ચાયણાની મદદથી કાઢી લો. આ સ્ટેપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- દાળ પીસવી: હવે પલળેલી દાળને મિક્સર જારમાં લો. તેમાં 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરો. ખાસ ધ્યાન રાખો કે દાળ પીસતી વખતે થોડા પણ પાણીનો ઉપયોગ ન કરવો. મિક્સર જારને ચાલુ-બંધ કરીને દાળને અધકચરી પીસી લો, તેને સ્મૂધ નથી પીસવાની.
- બેટર તૈયાર કરવું: અધકચરી પીસાયેલી દાળને એક બાઉલમાં કાઢી લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હિંગ, 1 ચમચી અધકચરા ખાંડેલા મરીના દાણા અને ¼ કપ કોથમીર ઉમેરો.
- બેટર ફેંટવું: હવે એક વ્હીસ્કરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરીને દાળને સારી રીતે ફેંટી લો. દાળવડામાં સોડાનો ઉપયોગ ન થતો હોવાથી, દાળને આ રીતે ફેંટીને એકદમ ફ્લફી કરવામાં આવે છે, જેથી વડા ફૂલેલા અને પોચા બને. ધ્યાન રાખો કે બેટરને એક જ સાઈડ ફેંટવાનું છે. બેટર ફ્લફી અને લાઈટ કલરનું થાય ત્યાં સુધી ફેંટો. જો આ સમયે બેટર થોડું પાતળું લાગે તો તેમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરીને થીક કરી શકો છો.
- દાળવડા તળવા: એક કડાઈમાં મીડીયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખો. તેલ ગરમ થયું છે કે નહીં તે ચકાસવા માટે થોડું બેટર તેલમાં નાખો. જો તે તરત ઉપર આવે તો તેલ તળવા માટે પરફેક્ટ છે.
- વડા બનાવવું: હવે હાથની આંગળીઓની મદદથી અથવા ચમચીથી બેટર લઈને ગરમ તેલમાં નાના વડા પાડો.તળવા: વડા એક બાજુથી થોડા તળાય પછી જારાની મદદથી તેને પલટાવીને બંને બાજુ એકસરખા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. દાળવડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડીયમ જ રાખવી, જેથી તે અંદરથી પણ સારી રીતે કૂક થાય.
- તેલ નિતારવું: દાળવડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેને ટિશ્યુ પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
- મરચાં તળવા (વૈકલ્પિક): દાળવડા સાથે ખાવા માટે, એ જ ગરમ તેલમાં 5-6 તીખા લીલા મરચાં ઉમેરીને તળી લો અને કાઢી લો. હવે ગરમા ગરમ મરચાને સમારેલી ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરો.
