હેલ્ધી પણ અને ટેસ્ટી પણ માત્ર 4 સામગ્રીથી ઘરે બનાવો નેચરલ જાંબુ જામ, જાણો રેસીપી

ઘરે પ્રિઝર્વેટિવ વગર નેચરલ જાંબુ જામ બનાવવાની સરળ રીત. જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપી અને સ્ટોરેજ ટિપ્સ, જે બાળકો અને સ્વાસ્થ્ય માટે એકદમ બેસ્ટ છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 15 Jun 2026 09:27 AM (IST)Updated: Mon, 15 Jun 2026 09:27 AM (IST)
easy-jamun-jam-recipe-in-gujarati

Jamun Jam Recipe: ચોમાસું આવતા જ બજારમાં ખાટા-મીઠા અને ગુણકારી જાંબુ મળવાના શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે લોકો તેને મીઠું લગાવીને ખાતા હોય છે, પરંતુ આ મોસમી ફળમાંથી એક અદ્ભુત અને સ્વાદિષ્ટ જામ પણ બનાવી શકાય છે. જો તમે આ સિઝનમાં બાળકો માટે કંઈક હેલ્ધી અને યુનિક ટ્રાય કરવા માંગતા હોવ, તો આ હોમમેઇડ જાંબુ જામ એક બેસ્ટ ઓપ્શન છે જેનો સ્વાદ દરેકને દાઢે વળગશે. તો ચાલો તેની રેસીપી જાણીએ

જરૂરી સામગ્રી

  • જાંબુ: ૫૦૦ ગ્રામ (પાકા અને તાજા)
  • ખાંડ: ૨૫૦ થી ૩૦૦ ગ્રામ
  • લીંબુનો રસ: ૧ મોટી ચમચી
  • પાણી: અડધો કપ

સ્ટેપ-બાય-સ્ટેપ જાંબુ જામ બનાવવાની રીત

1. જાંબુની તૈયારી: સૌ પ્રથમ જાંબુને પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેના ઠળિયા અલગ કરી લો અને પલ્પ એક વાસણમાં કાઢી લો.

2. પલ્પ ઉકાળવો: હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં જાંબુનો પલ્પ અને અડધો કપ પાણી ઉમેરીને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. જાંબુ પોચા થાય ત્યાં સુધી તેને ૫-૭ મિનિટ ચડવા દો.

3. મિશ્રણ સરખું કરવું: જાંબુ સોફ્ટ થઈ જાય એટલે ગેસ ધીમો કરી ચમચા વડે અથવા પોટેટો મેશર વડે તેને બરાબર મેશ કરી લો, જેથી જામ એકરસ થઈ જાય. જો તમને એકદમ સ્મૂધ જામ ગમતો હોય, તો આ મિશ્રણને મિક્સરમાં સેજ ક્રશ પણ કરી શકો છો.

4. ખાંડ ઉમેરવી: હવે આ મેશ કરેલા પલ્પમાં ખાંડ ઉમેરો અને બરાબર હલાવો. ખાંડ ઓગળશે એટલે મિશ્રણ થોડું પાતળું થશે. આ મિશ્રણને ધીમાથી મધ્યમ આંચ પર સતત હલાવતા રહીને ઘટ્ટ થવા દો.

5. લીંબુનો રસ: જ્યારે જામ ઘટ્ટ થવા આવે, ત્યારે તેમાં ૧ ચમચી લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ ખાંડને જામી જતી અટકાવશે અને નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરશે.

6. પ્લેટ ટેસ્ટ: જામ તૈયાર છે કે નહીં તે ચેક કરવા માટે, એક ઠંડી પ્લેટમાં જામનું એક ટીપું મૂકો. જો ટીપું ફેલાય નહીં અને પોતાની જગ્યાએ સ્થિર રહે, તો સમજો કે જામ તૈયાર છે.

7. સ્ટોરેજ ટિપ્સ: તૈયાર જામને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દો. ત્યારબાદ તેને કાચની સાફ અને કોરી એર-ટાઈટ બરણીમાં ભરી લો. આ કેમિકલ ફ્રી જામ ફ્રિજમાં ૩ થી ૪ મહિના સુધી સારો રહે છે. તેને બ્રેડ, રોટલી કે પૂરી સાથે એન્જોય કરો!