Yoga Day Special: યોગનો શહેનશાહ 'શાહનવાજ', વંથલીના ખેડૂત પુત્રની યોગ ક્ષેત્રમાં કમાલ; 70થી વધુ મેડલ મેળવ્યા

અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ- 2026માં શાહનવાજ વાજાએ 2 ગોલ્ડ પર કબજો જમાવ્યો  

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 21 Jun 2026 07:00 AM (IST)Updated: Sun, 21 Jun 2026 07:00 AM (IST)
yoga-day-special-shahnavaz-vaja-vanthalis-emperor-wins-world-gold
HIGHLIGHTS

Yoga Day Special: સોરઠ પ્રદેશના આશરે વીસેક વર્ષના યુવાને યોગના ક્ષેત્રમાં નવી કમાલ કરી છે, તેના પિતાએ દીકરો માત્ર પોલીસ કે આર્મીમાં જોડાઈ તેવા આશય સાથે ફિટનેસ માટે યોગા સહિતની નાના પાયે તાલીમ આપી હતી. પણ આ સફર અટકી નહીં, પરંતુ વિશ્વવિજેતા સુધી દોરી ગઈ હતી. વાત છે, જૂનાગઢથી નજીક આવેલા નાના એવા શહેર વંથલીના શાહનવાજ વાજાની.

દેશ અને દુનિયા ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે નાના એવા શહેરમાંથી નીકળીને શાહનવાજ યોગનો શહેનશાહ બન્યો છે. શાહનવાજે તાજેતરમાં અમદાવાદમાં આયોજિત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં હેન્ડ બેલેન્સ અને ટ્રેડિશનલ ગ્રુપ- 1માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વિશ્વની પ્રથમ આ યોગા ચેમ્પિયનશિપમાં આશરે 78 જેટલા દેશોએ ભાગ લીધો હતો. તેમાં શાહનવાજે પોતાનું કૌવત બતાવ્યું હતું.

આ પહેલાં શાહનવાજ રાષ્ટ્રીય કક્ષાએ 25થી વધુ ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે. કુલ 70થી વધુ શાહનવાજે મેડલ મેળવ્યા છે. શાહનવાજે આ સફળતા માટે ખૂબ પરસેવો પાડ્યો છે. સાથે જ એટલો સંઘર્ષ પણ કર્યો છે. આજે પણ નિયમિત 4 થી 6 કલાક જેટલી યોગાની પ્રેક્ટિસ કરી રહ્યો છે.

પિતાએ આર્મી કે પોલીસમાં જવા માટે આપેલી તાલીમ યોગમાં વિશ્વવિજેતા બનવા સુધી દોરી ગઈ

શાહનવાજે જણાવ્યું કે, મારી સફળતા પાછળ મારા પિતા દાઉદભાઈનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે. તેમણે શરૂઆતમાં આર્મી કે પોલીસમાં જોડાવા માટે ફિઝિકલ ટ્રેનિંગ કરાવી હતી. તેમાં યોગા પણ સામેલ હતો. આ તાલીમ તેમણે નાનપણથી આપવાની શરૂઆત કરી હતી. તેના મૂળમાં જ મારી સફળતા રહેલી છે. ઉપરાંત નાની-નાની સફળતાએ મને મોટી જીત હાંસલ કરવા માટે પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી છે.

WhatsApp Image 2026-06-20 at 7.17.43 PM

આ તાલીમ દરમિયાન જ ખ્યાલ આવ્યો કે, મારી બોડી ખૂબ ફ્લેક્સિબલ છે. ખાસ જ્યારે વંથલી જી.એલ. સોલંકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન શિક્ષક વિપુલ સોલંકીએ મારી યોગમાં આવડત અનેક ક્ષમતાઓને પારખી હતી અને યોગના ક્ષેત્રમાં આગળ વધવા અને ખેલ મહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં ભાગ માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

યોગ કોઈ સ્પોર્ટ્સ કે ભવિષ્ય નથી તેવા ટોણા મારતા લોકો આજે શાબાશી આપી રહ્યા છેઃ શાહનવાજ

પહેલાં લોકો કહેતા હતા કે, યોગ સ્પોર્ટ્સ નથી કે તેમાં કોઈ ભવિષ્ય નથી, પરંતુ તે જ લોકો આજે શાબાશી આપી રહ્યા છે. ખાસ ભારત સરકાર અને સ્પોર્ટ્સ મંત્રી મનસુખ માંડવીયાએ યોગને સ્પોર્ટ્સ તરીકે દરજ્જો આપવા માટે ખૂબ મહેનત કરી તેના પરિણામે અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ યોજાઈ.

વર્ષ-2030માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેળવવાનો લક્ષ્યાંક છે, આ સાથે વિશ્વ કક્ષાએ યોજાતી યોગ કોમ્પિટિશનમાં દેશ માટે ગોલ્ડ જીતવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.

વધુમાં શાહનવાજ કહે છે કે, શરૂઆતમાં યોગ ક્ષેત્ર કોઈ સ્પર્ધા ન હતી પણ ખૂબ જ સ્પર્ધા વધી રહી છે. એટલે સતત મહેનત અને પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે.

આ સાથે એમ પણ ઉમેર્યું છે કે, યોગ કરવાથી એટલે કે તેની પ્રેક્ટિસ અનેરો આનંદ આપે છે. યોગ તમારા જીવનમાં નવું સંધાન કરી આપે છે. તેણે વિશ્વ યોગ દિવસના અવસરે સર્વેને યોગ દિવસની શુભેચ્છાઓ સાથે યોગ અપનાવવા માટે પણ અપીલ કરી હતી